Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ગણપત યુનિવર્સિટી નર્સિંગ ઇન્સ્ટિટયુટ શરૂ કરવા રૂ. પ કરોડનું દાન

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા. ૧પ : મૂળે મહેસાણા જિલ્લાના કડી શહેરના વતની એનઆરઆઈ (NRI) શ્રી ભૂપેશ પરીખ અને તેમના પત્ની શ્રીમતી કુમુદબેનના હસ્તે ગણપત યુનિવર્સિટી - ઇન્સ્ટિટ્યૂટ ઓફ ર્નસિંગને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કોલેજ સ્થાપવા માટે રૂપિયા પાંચ કરોડ જેવી માતબર રકમનું દાન મળેલ છે, જે થકી કુમુદ એન્ડ ભૂપેશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ર્નસિંગની સ્થાપના ગણપત યુનિવર્સિટી દ્વારા થશે, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અત્યાધુનિક અને એડવાન્સ્ડ ટેકનોલોજી વાળા અને સંપૂર્ણ સુવિધાસભર કલાસરૂમ તેમજ ઈમ્પોર્ટેડ સાધનોથી સજ્જ લેબોરેટરી વગેરેની સુવિધા મળશે.  આ ર્નસિંગ કોલેજ સમગ્ર રાજ્યમાં સ્થપાયેલ અન્ય ર્નસિંગ કોલેજ કરતા ભિન્ન અને શ્રેષ્ઠતમ હશે જેનો લાભ ગુજરાત રાજ્ય અને દેશના તમામ વિદ્યાર્થીઓને મળશે.

શ્રી ભૂપેશ પરીખ અને તેમના પત્ની શ્રીમતી કુમુદબેન મહેસાણા જિલ્લાના  કડી શહેરના  વતની  છે અને છેલ્લા છ દાયકાથી અમેરિકામાં વસે છે.  એમણે અમેરિકાથી જ સ્ટ્રકચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. શ્રી પરીખે અમેરિકાના ગ્લેન્ડેલમાં એક સ્ટ્રકચરલ એન્જિનિયર અને બિલ્ડર તરીકે પોતાનો વ્યવસાય સ્થાપ્યો અને એ  વિસ્તારમાં ઘણાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કર્યાનો યશ તેમને મળ્યો છે.

કુમુદબેન વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા છે અને શિક્ષણનું મહત્વ ખૂબ સારી રીતે સમજે છે. તેમણે  જીસીસીમાં હિસાબી વર્ગો પણ લીધેલ છે. પરીખ પરિવારને ત્રણ પુત્રીઓ છે, જેઓએ પણ અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ઉત્તમ કારકિર્દી ઘડી છે.

આ પ્રસંગે ગ્લેન્ડેલ કોમ્યુનિટી કોલેજના પ્રેસિડેન્ટ ડેવિડ વાયર, સંથાના ટ્રસ્ટી શ્રીમતી રેન્સફોર્ડ, ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ, બોર્ડ મેમ્બર ડૉ. ગિરિબાલાબેન પટેલ અને દાનવીર પરીખ પરિવાર ઉપસ્થિત હતા જેમની સાથે સંસ્થાના પ્રો ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્મા, પ્રો વાઈસ ચાન્સેલર ડૉ. અમિત પટેલ અને સીનિયર સ્ટાફ મેમ્બર્સ વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી જોડાયા. ગણપત યુનિવર્સિટીએ ગુજરાત રાજ્યની મોટી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ સાથે પણ એમ.ઓ. યુ. કર્યા છે જે ર્નસિંગના વિદ્યાર્થીઓને પ્રેકટીકલ અને કિલનિકલ ટ્રેઈનિંગ માટે ચોક્કસ  આશીર્વાદરૂપ બની રહેશે.ગણપતભાઈ પટેલ અને શ્રીમતી મંજુલાબેન પટેલના શિક્ષણ થકી સમાજ ઉત્થાનના સેવાકાર્યમાં સહભાગી થવા તેમના અંગત મિત્ર શ્રી ભૂપેશ અને શ્રીમતી કુમુદ પરીખ તરફથી ગણપત યુનિવર્સિટીને આ રૂપિયા પાંચ કરોડનું માતબર દાન મળ્યું છે. 

(3:01 pm IST)