Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ખભાના હાડકાને છુટુ પાડીને કર્યું કેન્સર મુકત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાયું આ પ્રકારનું દેશનું પહેલુ ઓપરેશન : ૪૫ વર્ષની મહિલા ઉપર એકસ્ટ્રોકોર્પોરીયલ રેડીયો થેરેપી ટેકનીકનો સફળ પ્રયોગ

અમદાવાદ,તા. ૧૬: કેન્સરની પકડમાં આવી ગયેલ એક મહિલાના ખભાને ડોકટરોએ બચાવી લીધો હતો. ખભાના હાડકા (સ્કપુલા)ને કેન્સરે એવો જકડી લીધો હતો કે તે મહિલાએ પોતાનો હાથ ગુમાવો પડત. એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (જીસીઆરઆઇ)ના ડોકટરોની સુઝબુઝથી આ મહિલાનો હાથ બચાવી શકાયો હતો. તેના માટે એકસ્ટ્રોકોર્પોરીયલ રેડીયો થેરેપી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન કદાચ આ પ્રકારનું દેશનું પહેલુ ઓપરેશન હોવાનું જણાવાઇ રહ્યુ છે. ૪૫ વર્ષની મહિલાને ખભામાં દુખાવો અને ગાંઠની ફરીયાદ થતા તેની તપાસ કરવામાં આવી હતી. તેમાં તેના ખભાના હાડકામાં કોંડ્રોસારકોમા નામના કેન્સર હોવાની જાણ થઇ હતી. તેની સારવાર માટે તેન જીસીઆરઆઇમાં લવાઇ હતી. અહીં ડોકટરોએ મહિલાના હાથને બચાવવા માટે એકસ્ટ્રોકોર્પોરીયલ રેડીયોથેરેપી ટેકનીકનો ઉપયોગ કર્યો. કેન્સર ખભાનું હાડકું સંપૂણે પણે કેન્સરની ઝપટમાં આવી ગયું હતું. એટલે વિકલ્પમાં કાં તો મહિલાનો ખભા સહિતનો હાથ કાપવો પડત અથવા તો ખભામાં કૃત્રિમ સાંધો બેસાડવો પડત. તેમણે જણાવ્યું કે કૃત્રિમ સાંધાની કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા થતી હોય છે. અને તેમ છતાં તે બરાબર કામ કરશે તેની કોઇ ગેેરંટી નથી હોતી. ત્રણ કલાક ચાલેલા આ ઓપરેશન દ્વારા મહિલાનો હાથ તો બચાવી જ લેવાયો એ ઉપરાંત તેના ખભાનું હલન ચલન પણ બરાબર થવા લાગ્યું છે. આ ટેકનીકથી પહેલા પણ ઓપરેશનો કરાયા છે પણ ખભાના હાડકાનું કદાચ આ પહેલુ જ ઓપરેશન છે. ઓપરેશન કરનારી ટીમમાં ડો.સાબુંકે ઉપરાંત ડો.મયુર કામાણ અને પ્લાસ્ટીક સર્જન ડો.નીરવ મહારાજા પણ હતા.

(4:01 pm IST)