Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ચૂંટણી મોકુફીના ૩ માસ ૧૪ ડીસેમ્બરથી ગણાશેઃ ર૦ર૧ ના પ્રારંભે ચૂંટણી ન થાય તો વહીવટદારો બજેટ રજૂ કરશે

પાલિકા-પંચાયતોનું ભાવિ અનિશ્ચિતઃ બજેટ ૩૧ માર્ચ સુધીમાં મંજૂર થવુ જરૂરી

રાજકોટ તા. ૧૬ :.. રાજય ચૂંટણી પંચે કોરોના સહિતના કારણોસર તાલુકા, જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણી ૩ માસ મોકૂફ રાખવાનો જાહેર કર્યો છે. ૩ માસ દરમિયાન પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય કરવાનું જાહેર કર્યુ છે. ચૂંટણી મોકૂફીના ૩ માસ કયારથી ગણવા તે બાબતે પાલિકા-પંચાયતના વર્તુળોમાં દ્વિધા છે. ચૂંટણી પંચે કોઇ સ્પષ્ટ તારીખ જાહેર કરી નથી પરંતુ આ મુદત ૧૪ ડીસેમ્બર ર૦ર૦ થી ગણાશે તેમ ચૂંટણી પંચના ટોચના વર્તુળો જણાવે છે તે મુજબ ૧૩ માર્ચ ર૦ર૧ ના પુરા થતા ૩ માસ સુધીમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ કરવા પાત્ર છે. દરેક સંસ્થાએ ૩૧ માર્ચ સુધીમાં બજેટ મંજૂર કરવુ જરૂરી છે. જો ર૦ર૧ ના પ્રારંભે નવી ચૂંટણીઓ ન થાય અને વહીવટદાર રાજ અસ્તિત્વમાં હોય તો બજેટ જે તે પાલિકા - પંચાયતના વહીવટદારે રજૂ કરવાનું રહેશે.

ચૂંટણી પંચના વર્તુળોએ એવુ જણાવેલ કે નવેમ્બર અંતમાં સામાન્ય ચૂંટણીઓ કરવા પાત્ર થતી હતી એટલે નવેમ્બર અંતથી ૩ મહિના મોકૂફ ગણાય. નજીકના ભવિષ્યમાં જેની ચૂંટણી કરવા પાત્ર થતી હોય તે બધી એક સાથે યોજાતી હોય છે. સૌથી પહેલી મુદત જે પાલિકા-પંચાયતની પુરી થતી હોય તેને ચૂંટણી પંચ 'કટ ઓફ ડેઇટ' તરીકે ગણે છે. તે મુજબ ગુજરાતમાં આ અરસામાં સૌથી પહેલી મુદત અમદાવાદ  કોર્પોરેશનની પૂરી થાય છે. ર૦૧પ ના વર્ષની ૧૪ ડીસેમ્બરે અમદાવાદ કોર્પોરેશનનું નવુ બોર્ડ અસ્તિત્વમાં  આવેલ તેથી તેની મુદત ૧૩ ડીસેમ્બર ર૦ર૦ સુધીની ગણાય. ચૂંટણી પંચના વર્તુળોની દ્રષ્ટિએ ૩ માસની મુદત ૧૪ ડીસેમ્બરથી ગણવાપાત્ર છે. તે હિસાબે ચૂંટણી મોકૂફીની મુદત ન વધારાય તો ૧૩ માર્ચ સુધીમાં ચૂંટણી યોજાઇ જશે. જયાં ચૂંટણી કરવાની છે તે મોટાભાગની પાલિકા-પંચાયતોની મુદત ડીસેમ્બર ૧પ થી રપ વચ્ચે પુરી થાય છે. રાજકોટ જિલ્લા પંચાયતની મુદત ર૧ ડીસેમ્બરે પુરી થાય છે.

સામાન્ય રીતે દર જાન્યુઆરી માસમાં વહીવટી પાંખ - બજેટ તૈયાર કરે છે અને ફેબ્રુઆરીમાં અથવા માર્ચના પ્રારંભે સામાન્ય સભા બજેટને બહાલી આપે છે. બજેટ મંજૂરી માટે ૩૧ માર્ચ સુધીની સમય મર્યાદા હોય છે. આ વખતે બજેટ બનાવવાના સમય ગાળામાં ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં ન હોય તો જે તે પાલિકા-પંચાયતમાં બજેટ વહીવટદાર દ્વારા રજૂ કરે તેવા હાલના સંજોગો છે.

(3:59 pm IST)