Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

વલસાડના ફલધરા ગામમાં વિજ ચેકીંગ ટીમ ઉપર હૂમલોઃ વિજ કર્મચારીઓના કપડા ફાડી નાખ્‍યાઃ 4 શખ્‍સોની ધરપકડ

એક વિજ અધિકારીને આંખના ભાગે ઇજા થતા સારવારમાં

વલસાડઃ વલસાદના ફલધરા ગામમાં G.E.B ના કર્મચારીઓ પર હુમલો થયો હતો. પોલીસે આ ઘટનામાં ચાર લોકોને ઝડપી લીધા છે. વલસાડના ફલધરા ગામે વીજ ચોરી કરતા લોકોને પકડી પાડવા માટે G.E.B ની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ફલધરા ગામના કેટલાક લોકોએ G.E.B ના કર્મચારીઓ ને માર મારી કપડા ફાડી નાખ્યાં હતાં. જે અંગે G.E.B ના કર્મચારીઓએ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ પ્રકરણમાં ફલધરા ગામના 4 ઈસમોને ઝડપી લીધા છે. અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે વલસાડ રૂરલ પોલીસ મથકેથી મળતી વધુ વિગતો મુજબ, બે દિવસ અગાઉ ધરમપુર તાલુકાના બોપી સબડિવિઝનના G.E.Bના કર્મચારીઓ અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ બરોડાની ટીમ ચેકિંગમાં આવી હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં વેહલી સવારથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. જેને પગલે વીજ ચોરી કરનારાઓએ G.E.B ના કર્મચારીઓ સાથે વાત વાતમાં મામલો ગરમાયો હતો. અને રોષે ભરાયેલા કેટલાક ગ્રામજનો એ G.E.B ના કર્મચારીઓ ને માર માર્યો હતો. જેમાં એક અધિકારીને આંખના ભાગે ઇજા પહોંચી હતી.

જ્યારે અન્ય કર્મચારીઓને ઢોર માર માર્યો હતો. જેમાં G.E.B ના કર્મચારીના કપડા પણ ફાટી ગયા હતાં. આ બનાવ બાદ G.E.B ના કર્મચારીઓએ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પી.એસ.આઇ અમીરાજ સિંહ રાણાએ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવા કામગીરી શરૂ કરી હતી. જેમાં તેજસ દશરતભાઈ પટેલ, બ્રિજેશ નવીનભાઈ પટેલ, રાજેશ રામાભાઈ પટેલ, રજૂ કેવલભાઈ પટેલને ઝડપી લીધા છે. હાલ તો પોલીસે આ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(4:23 pm IST)