Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

જો કોઇ વેક્‍સીન નહીં લે તો તેની સામે કડકાઇથી પગલા ભરીશુ, વેક્‍સીનથી પોતાની અને અન્‍ય લોકોની સલામતી વધે છેઃ નીતિનભાઇ પટેલે અમદાવાદ સોલા સિવિલમાં વેક્‍સીનનો બીજો ડોઝ લીધો

વેક્‍સીનેશનની સફળ કામગીરીના પરિણામે જ અન્‍ય રાજ્‍યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો

અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ આજે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રસીનો બીજો ડોઝ લેવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યભરમાં કોરોના રસીકરણની કામગીરી સુપેરે ચાલી રહી છે અને નાગરિકોમાં કોરોના રસીકરણ માટે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં દરરોજ 6 લાખથી વધુ વ્યક્તિઓ કોરોના રસીકરણનો લાભ મેળવી રહ્યા છે. ત્યારે રસી ન લેવા માગતા લોકોને નીતિન પટેલે ચેતવણી આપતા કહ્યું કે, જો કોઈ વેક્સીન નહીં લે તો કડકાઈથી નિર્ણય લઇશું. કોઈ વેક્સીન ન લે તે યોગ્ય નથી. જો કોરોના સામેની વેક્સીન નહીં લો તો દંડાશો. બધા લોકોએ વેક્સીન લેવાની જરૂર છે. વેક્સીન લેવાથી પોતાની અને અન્ય લોકોની સલામતી વધે છે.

નીતિન પટેલે ગૌરવભેર જણાવ્યું કે, રાજ્યના 4 કરોડથી વધુ નાગરિકો કોરોનાની રસીનો પ્રથમ અથવા બીજો ડોઝ મેળવી ચૂક્યા છે જેના આધારે ગુજરાત રાજ્ય કોરોના રસીકરણમાં પ્રતિ મિલિયન અને વસ્તિની દ્રષ્ટિએ દેશમાં મોખરે રહ્યું છે. કોરોના રસીકરણ સાથે સંકળાયેલા તમામ મેડીકલ અને પેરામેડિકલ સ્ટાફમિત્રોને આ અનેરી સિધ્ધિ માટે નાયબ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યભરમાં 2500 થી વધુ કોરોના રસીકરણ કેન્દ્રો પર મેડીકલ અને પેરામેડીકલ દ્વારા કોરોના રસીકરણની કામગીરીને વ્યાપક બનાવવામાં આવી છે. સમગ્રતયા સંચાલન સુપેરે કરીને આ સિધ્ધી પ્રાપ્ત થઇ છે.

કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે કોરોના રસીકરણના માટેના વધુમાં વધુ જથ્થો ગુજરાત રાજ્યને પુરતો પાડીને રાજ્યના કોરોના રસીકરણ અભિયાનને વ્યાપક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાનો પણ આ પ્રસંગે આભાર વ્યક્ત કર્યો હતો. હાલ આરોગ્ય વિભાગ પાસે 13 લાખ જેટલા કોરોનાની રસીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવી નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, આજે પણ 6 લાખ જેટલા નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે. તેઓએ નાગિરકોને કોરોના રસીકરણ અભિયાનમાં જોડાઇને જલ્દીથી વેક્સીન લઇને કોરોના સામે સુરક્ષિત થવા અપીલ કરી હતી.

વેક્સીનેશનની સફળ કામગીરીના પરિણામે જ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં ઘરખમ ઘટાડો નોંધાયો છે. જેના પરિણામે કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલમાં પરિવર્તિત કરાયેલ રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, મેડિકલ કૉલેજ સહિત અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ ઓ.પી.ડી., સર્જરી, આઇ.પી.ડી. જેવી સેવાઓ પૂર્વવત થઇ છે. સોલા સિવિલ હોસ્પિટલના સંદર્ભમા તેઓએ દરરોજ 1500 થી 2000 દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલમાં આવતા હોવાનું જણાવ્યું હતુ. મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાને સંકલિત કરીને પી.એમ. જે. વાય . યોજનામાં આવરી લેવામાં આવી છે જેનો લાભ પણ રાજ્યભરની હોસ્પિટલમાં દર્દીઓ મોટી સંખ્યામાં લઇ રહ્યા છે.

(4:19 pm IST)