Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ, શહિદો વગેરે પાયાના ક્રાન્તિકારી પરિબળોને ક્યારેય ભૂલી શકાય નહીં: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

મેમનગર ગુરુકુલમાં ચાલી રહેલ જ્ઞાનસત્રની પૂર્ણાહૂતિના અંતિમ દિવસે ઉજવાયેલ ૧૫ ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વ

અમદાવાદ તા.૧૬ મેમનગર ગુરુકુલમાં ચાલી રહેલ જ્ઞાનસત્રની પૂર્ણાહૂતિના અંતિમ દિવસે એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલ છારોડી, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મેમનગર ગુરુકુલના સંયુક્ત ઉપક્રમે, મેમનગર ગુરુકુલ ખાતે શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ મુખ્ય મહેમાનોમાં જયદેવભાઇ સોનાગરા, મુંબઇવાસી ધર્મેન્દ્રભાઇ ગાંધી, હર્ષભાઇ ગાંધી, પાર્થભાઇ ગાંધી, વિપુલભાઇ ગજેરા, દર્શનમ્ પ્રધાનાચાર્ય રામપ્રિયજી વગેરે તેમજ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલ, મેમનગર ગુરુકુલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફ તેમજ SGVP પ્રીન્સીપાલ શ્રી પદ્માબેન કુમાર, વાઇસ પ્રિન્સીપાલ શ્રી દેવરાજ મિશ્રાજીની ઉપસ્થિતિમાં ૧૫ ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવાયું હતું.

     કાર્યક્રમની શરુઆતમાં બેન્ડની સુરાવલી સાથે પૂ. માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

     ત્યારબાદ ત્રણેય પાંખના વિદ્યાર્થીઓએ માર્ચ પાસ્ટ કરતા ત્રિરંગા ધ્વજને સલામી આપી હતી. મેમનગર ગુરુકુલના વિ્દ્યાર્થીઓએ ડમ્બેલ્સના દાવ, શૌર્ય ગીત વગેરે કાર્યક્રમો રજુ કર્યા હતા.

     કાર્યક્રમ પ્રારંભે એસજીવીપીના વિદ્યાર્થી અપૂર્વ ખૂંટ અને રીબડા ગુરુકુલના વિદ્યાર્થી સમર્થ ચોવટિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું ત્યારે સૌ કોઇએ બેય બાળકોને તાલીઓના ગડગડાટથી વધાવ્યા હતા. ધ્વજવંદન બાદ જયદેવભાઇ સોનાગરાએ પ્રાસંગિક પ્રવચન કરી ૧૫ ઑગષ્ટનું  મહત્વ સમજાવ્યું હતું.

   ત્યારબાદ શા.માધવપ્રિયદાસજી સ્વામીએ યહ મિટ્ટી હે બલિદાનકીના નારા સાથે જણાવ્યું હતું કે ભારતની મિટ્ટી ખરેખર ચમત્કારિક છે. જે માટીમાંથી ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ જેવા અવતારો અને મહાત્મા ગાંધીજી અને વલ્લભભાઇ પટેલ જેવા મહાપુરુષો પ્રગટ થયા છે.

આપણા શહિદોએ તો ભારતને આઝાદ કરવા કુરબાની તો આપી છે. પણ આપણે આપણા સ્વાર્થ, લોભ-લાલચની કુરબાની આપવાની છે.

આપણો ભારત દેશ મહાન છે ને રહેવાનો પણ છે. આપણી ફરજ છે તે આપણે આપણાં ભારતની સુગંધ વિશ્વમાં પ્રસરાવવાની છે.

ભારત તેના પહાડો, નદીઓ, વૃક્ષો વગેરેથી મહાન નથી પણ ભારત તેની વિચારશૈલીથી મહાન છે.

આપણે આપણા ભારતનું ગૌરવ હોવું જોઇએ. ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ ,સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ, શહિદો વગેરે પાયાના ક્રાન્તિકારી પરિબળોને ક્યારેય ભૂલી શકાય નહીં.

પોતાના જાનના જોખમે જે આપણી સરહદનું રક્ષણ કરી રહેલા જે સૈનિકો છે તેનું આપણને ગૌરવ હોવું જોઇએ, એમ કહી સ્વામીજીએ ‘નાયં આત્મા બલહિનેન લભ્યઃ’ નું સુ્ત્ર આપી સુત્રાર્થ સમજાવ્યો હતો. સમગ્ર કાર્યક્મનું સંચાલન ભાનુભાઇ પટેલે સુપેરે કર્યું હતું.

 

(12:51 pm IST)