Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રૂપાલા સામેના આંદોલનમાં શું ચાલી રહ્યુ છે ?

પદ્મિનીબાએ હવે સંકલન સમિતિ સામે જ ખેંચી તલવાર !

સંકલન સમિતિ પર ઉઠાવ્‍યા ગંભીર સવાલઃ કથિત ઓડિયો ક્‍લીપ વાયરલઃડંડા અમારે ખાવાના? કાઢયો બળાપો

રાજકોટ,તા. ૧૬: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવામાં ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શનમાં ખેંચતાણ શરૂ થઈ છે. પદ્મિનીબા વાળાની કથિત ઓડિયો ક્‍લીપ વાયરલ થઇ છે. પદ્મિનીબાએ હવે સંકલન સમિતિ સામે જ તલવાર ખેંચી છે. સંકલન સમિતિ પર ગંભીર સવાલ ઉઠાવ્‍યા છે.

તેઓ ક્ષત્રિય સંમેલનનમાં નિર્ણય ન લેવાતાં નારાજ થયા છે. પદ્મિનીબા વાળાની વાયરલ કથિત ઓડિયો ક્‍લીપમાં સંભળાય છે કે, આટલા લોકો ભેગા થયા જેનો કોઈ મતલબ ન રહ્યો. લોકો આશા સાથે આવ્‍યા હતા. શું લોકો માત્ર ભાષણ સાંભળવા આવ્‍યા હતા? સ્‍ટેજ પર ચડી ચડીને ભાષણો જ કરે રાખવાના છે? ડંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું, દિવસે દિવસે બધું ઠંડુ પડતું જાય છે. મને તો ભાષણ પણ આપવા દેવાના નહોતા. મને ભાષણ આપતા શા માટે રોકો છો? સંકલન સમિતિવાળાએ તો અડધા અડધા કલાકના ભાષણ કર્યાં હતા.

આ સમગ્ર મામલે ન્‍યૂઝ ૧૮ ગુજરાતી સાથે વાત કરતાં પદ્મિનીબાએ જણાવ્‍યું કે, સંમેલનમાં કોઇ નિર્ણય લેવાયો નથી. પાર્ટ-૨ હવે શરૂ થશે તેવું કહેવાયું છે. તેઓ મને મીટિંગ માટે ફોન કરીને કહેતા નથી. એટલે પાર્ટ ૨ શું છે? તે ખબર નથી.

સંકલન સિમિત. સંકલન સમિતિ અમારો સમાજ જ છે. અમે તેનો માન રાખીએ જ છીએ, પણ અમને બોલવામાં શું કામ રોકે છે? તે મારે જાણવું છે. તે લોકો અને સ્‍પીચ આપવા જ દેતા નથી. લડતની શરૂઆત અમે કરી છે.

વાયરલ ઓડિયો આપનો જ છે?

હા, મારો જ ઓડિયો છે.

બીજા કોને-કોને દૂર રાખવામાં આવી રહ્યા છે?

સંકલન સમિતિમાં કોણ મેન છે, મને ખબર નથી. ૧૯ તારીખ પછી જોઇશું, તો આટલી બધી લંબાણ કેમ કરે છે? કાલે જેટલા માણસો ભેગા થયા હતા, એટલા માણસો હવે ભેગા કરવા નામૂમકીન છે.

હું પણ એ જ અસમંજસમાં છું. જયાં-જયાં સંમેલન હોય છે, ત્‍યાં મને હંમેશા રોકવામાં આવે છે. સ્‍પીચ આપવાની ના પાડવામાં આવે છે. શરૂઆત તો મેં કરી છે. તો મને શું કામ રોકે છે આ લોકો? ક્ષત્રિય સમાજ એક છે અને એક જ રહેશે. બે-ચાર લોકો આવા હોય. આવું કરે તો હું કોઇનું સહન કરવાવાળી નથી. હું સ્‍ટેજ પર હોઉ ત્‍યારે ચીઠ્ઠીઓ આપવામાં આવે છે કે તમે ઉતરી જાવ. નરમ-નરમ બોલજો. શું કામ પણ? (૨૨.૬)

ગાંધીગીરી કરવી હોય તો આંદોલન જ ન કરાયઃ ઘરે બેસી રહેવાય

પદ્મિનીબા વાળાની વાયરલ ઓડિયો ક્‍લિપના અંશ

રાજકોટઃ કાલે આટલું બધું પબ્‍લિક ભેગું થયું હતું એ આશાની કિરણ સાથે આવ્‍યું હતું કે કાઇંકને કાંઇકને ડિસિઝન આવશે, ડિસિઝન તો કાંઈ આવ્‍યું નહીં તો આ પબ્‍લિક ખાલી ભાષણો સાંભળવા આવ્‍યા હતા? ખાલી ભાષણો જ કરવાના છે તો લડત કેવી રીતે જીતવાની છે? રૂપાલાભાઈને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ, એવી શું ગેરંટી કે ફોર્મ ભરાઈ ગયા બાદ રુપાલાભાઇ ફોર્મ પાછું ખેંચશે? અથવા તો એવી ગેરંટી છે કે રુપાલાભાઇ હારી જ જાશે? હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી. સંકલન સમિતિ રાજકોટ આવી ને રે..બરાબર.. આ રાજકોટનું છે તો દંડા અમારે ખાવાના, ધરપકડ અમારી થાય તો પછી આ સંકલન સમિતિ જીત કેમની અપાવશે? આ આંદોલન દિવસેને દિવસે ઠંડુ પડતું જાય છે. આટલું પબ્‍લિક હવે ભેગું નહીં થાય. આમાં કરવાનું છે શું એ પ્રશ્ન હું સમાજને પૂછું છું. અમેં સત્‍યની લડાઈ લઈને બેઠા છીએ. અમારે રાજકોટવાળાને શું વિચાર કરવાનો? કાલે રુપાલાભાઇ ફોર્મ ભારે તો અમારે શું કરવાનું? અમને હાથા બનાવવાના છે?

મને સ્‍પીચ આપતા રોકવામાં આવી, મેં તો પરાણે સ્‍પીચ આપી છે. મારું તો વકતામાં નામ જ નહતું. મને તો રોકવામાં આવી હતી. તો મને શું કામ રોકે છે આ લોકો ઈ પ્રશ્ન હું સંકલન સમિતિને કરવા માંગુ છું. તમે બધા તો દે ધનાધન અડધી કલાક સ્‍પીચ આપી. ત્‍યાં પાઘડીઓ અને સાફા પહેરીને બધા ઉપર ચડી ગયા હતા તો કાલે રૂપાલાભાઈને ફોર્મ શું કરવા ભરવા દેવું જોઈએ? રાહ કેમ જુઓ છો? હવે કહો છો ૧૯ તારીખ.. ૧૯ તારીખ પાર્ટ ૨ ચાલુ થશે. રોડ ઉપરનો જ પાર્ટ ૨ હોય તો અત્‍યારે જ કરો. શું કામ ફોર્મ ભરવા દેવું જ જોઈએ હું એમ કહેવા માંગુ છું. પછી શું રુપાલાભાઇને ઘરે કહેવા જશો કે ફોર્મ પાછું ખેંચી લો. પછી ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે? પછી કાલ સવારે કોણ નક્કી કરશે કે એ નહીં હારે? એ બધું રાજકોટમાં છે તો અમારે જોવાનું છે. આ બધી શું ખીચડી પકાઈ રહી છે એ મને ખબર નથી પડતી આમાં. તો આ બધું સ્‍ટેજ પર ખેંચાખેંચી થાતાં તા કે અમે ઊભા રહીયે એ બધા કાલે રાજકોટ આવે. ફોર્મ શું કામ ભરવા દઈએ. ફોર્મ જ ના ભરાવવું જોઈએ. આવી ગાંધીગીરી કરવી હોય તો આવા આંદોલન કરાય જ નહીં, ઘરે જ બેસી જવાય. આમાં અમારે મરવા જેવું થઇ જશે. આમાં અમારે જીવ દેવા પડશે તમને લોકોને કઈ ફેર નહીં પડે.

બધા ભાઈઓને એમ કહીએ છીએ કે પરિણામ જે આવે એ પણ વિરોધ તો કરવો જરૂરી છે. કાલે રુપાલાભાઇ ફોર્મ ભરે ને કાંઈ ના કરીએ તો એ પણ કેવું લાગે! ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ? આપડે રોડ પર આવીયે એનો મતલબ એ નહીં કે સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવું. જે સંગઠન કાલે ભેગું થયું હતું એનો કાંઈ મતલબ જ ના થયો. પબ્‍લિક ખોટી હેરાન થઇ ગઈ. વાત એમ છે કે ૧૬ તારીખે રૂપાલાભાઇ ફોર્મ ભરવાના છે ને ત્‍યારે આપડે આપડુ સંગઠન જ દેખાડવાનું હતું. માણસો બહાર વિરોધ કરવા નીકળવું કે ના નીકળવું. અમારી લડત તો ચાલુ જ છે. મહાસંમેલન સરસ થયું પણ એની અસર તો થવી જ જોઈએને. અસર તો દેખાવી જોઈએ કે રૂપાલાભાઇનું ફોર્મ ભરવાનું રદ થઇ જાય કે આટલા બધા ક્ષત્રિયો ભેગાં થયા છે પણ કોઈ અસર દેખાય છે?

(10:01 am IST)