Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

રાજકોટ ગુરૂકુળની શાખાઓ દ્વારા બે વર્ષમાં વચનામૃત દ્વિશતાબ્દિ ઉજવણીઃ ૨૦ લાખ પાઠ

૫૦૦ વ્યાખ્યાન માળા, કથા, કવીઝ, સંવાદ વગેરે કાર્યક્રમો થશે

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેર ઘેર વંચાતો ને પૂજાતો ગ્રંથ વચનામૃતની ૨૦૧૯માં દ્વિશતાબ્દી આવી રહી છે ત્યારે સુરતમાં વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા મકરસંક્રાંતિએ ૩૦૦૦ ભકતો અને સંતોએ પૂજન, પાઠ દ્વારા દ્વિશતાબ્દીની ઉજવણીનો કરેલો પ્રારંભ તે પ્રસંગની તસ્વીર

સુરત, તા. ૧૬ :. માન અને ભોગથી પર વર્તતા નંદ સંતોએ આલેખન કરેલ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણીરૂપ શ્રી વચનામૃત ગ્રંથરાજની દ્વિશતાબ્દી ઉજવણીનો પ્રારંભ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળમાં કરાયો.

મકરસંક્રાંતિ પર્વના પ્રાંતઃ કાળે એક મહિનાથી ચાલતી ધનુપાર્સની કથાની પૂર્ણાહુતિ સાથે ૨૦૪મી સહજાનંદી સભા યોજાયેલી. શાસ્ત્રી શ્રી અચલજીવનદાસજીએ બોલ્યા હરિ રે... એ કીર્તનના પદ પર એક મહિનો વહેલી સવારે કથાવાર્તા કરેલ. શાસ્ત્રી વિરકતજીવનદાસજી તથા મહંત શ્રી પુરાણી ધર્મવલ્લભદાસજીના પ્રવચન બાદ ૩૦૦૦ ઉપરાંત મહિલા પુરૂષો તેમજ સંતોએ વચનામૃત ગ્રંથનુ સમૂહમાં વાંચન કરી ૧૦૦ પાઠ પૂર્ણ કરેલ હતા.

આઙ્ગઅવસરે શ્રી વિવેકસ્વરૂપદાસ સ્વામી રચિત વચનામૃત ગ્રંથના ભાવાર્થની સાંકળીનું ગવૈયા સંતોએ ગાન કરેલ તેમજ શ્રી ભકિતવલ્લભદાસ સ્વામી, શ્રી પ્રભુસ્વામી, શ્રી શ્વેતસ્વામી, શ્રી દિવ્યસ્વામી તથા શ્રી ભકિતતનય સ્વામીએ ગાન સાથે હોમ કરેલ.બાળકોના સંવાદ, કંઠસ્થ વચનામૃત, યુવકો દ્વારા 'સેવા' ઉપર રૂપક રજૂ કરાયેલ. પચ્ચીસ ભાવિકોને પોતના ઘરે ભેગા કરી વચનામૃત પાઠ કરાવનારા ભકતોને પૂ. શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ આશિર્વાદ પાઠવેલ. ત્રણ દિવસની ૫૦૦ વ્યાખ્યાન માળા, પાંચ દિવસથી વચનામૃત કથા પારાયણ કરાવનારા ભકતોને તથા ૬૨૧ પ્રશ્નોત્તરવાળા સર્વશાસ્ત્રના સાર રૂપ વચનામૃત ગ્રંથને સ્વચ્છને સુંદર અક્ષરે લખનારા સુરત સચિન નિવાસી શ્રી મહેશભાઈએ વચનામૃત ગ્રંથ સંતોને અર્પણ કરેલ.

વચનામૃત ગ્રંથ દ્વિશતાબ્દીનો પ્રારંભ મહંત શ્રી ધર્મવલ્લભદાસજી, નવસારી શ્રી ધર્મજીવન પાઠશાળામાં સંતોનું જીવન ઘડતર કરી રહેલા શ્રી ભકિતવલ્લભદાસ સ્વામી શ્રી પ્રભુસ્વામી તથા શ્રી શ્વેત સ્વામીએ ફુગ્ગાઓ સાથે વચનામૃત દ્વિશતાબ્દી લોગાને ગગનમાં વિહરતો કરેલ.

શ્રી પ્રભુસ્વામીના જણાવ્યાનુસાર શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશિર્વાદ સાથે શરૂ થયેલ વચનામૃત દ્વિશતાબ્દીની ઉજવણી દ્વારા બે વરસમાં ૨૦ લાખ પાઠ રાજકોટ ગુરૂકુળ અને તેની શાખા સંસ્થાઓ તરવડા, કેશોદ, ઉના, ભાયાવદર, ભાવનગર, મોરબી, વર્ણીન્દ્રધામ પાટડી, વિદ્યાનગર, વડોદરા, સુરત, નવસારી, નવી મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર તેમજ લંડન, યુકે, અમેરિકા, ડલાસ, કેલીફોર્નિયા, ન્યુઝજર્સી, શિકાગો, ઓસ્ટ્રેલીયા, મેલબોર્ન વગેરે દ્વારા સંતો અને યુવાનો કરાવશે. અંતમાં સંતો, ભકતો, મહિલાઓએ વચનામૃતનું પૂજન કરી મસ્તકે ધારણ કરી અંતરમાં અનેરો આનંદ અનુભવેલ હતો.

(3:42 pm IST)