Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

હું જીવીશ ત્યાં સુધી મત આપીશ

અમદાવાદમાં ૧૦૩ વર્ષનાં વોટર ઉમીયાબાએ મતદાન કર્યા બાદ કહ્યું... : ચૂંટણીમાં સીનીયર સિટીઝન મતદારોનો જુસ્સો યંગ મતદાતા માટે પ્રેરણારૂપ બન્યો

વટ પાડયો : ખુરશીમાં બેઠેલાં ૧૦૩ વર્ષનાં ઉમીયા પટેલ અને તેમની પાછળ ઊભેલા ૯૦ વર્ષનાં ગોદાવરીબેન પટેલ.

અમદાવાદ તા. ૧પ :.. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે શતાયુ મતદારો સહિતના સીનીયર સીટીઝન્સ મતદારોનો વોટિંગ કરવાનો જુસ્સો યંગ મતદાતાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યો હતો. ઉત્સાહભેર મતદાન કરવા આવેલાં અમદાવાદના ૧૦૩ વર્ષનાં ઉમીયાબાએ તો કહ્યું હતું કે હું જીવીશ ત્યાં સુધી મત આપીશ.

અમદાવાદમાં ૧૦૩ વર્ષનાં ઉમીયાબા અને ૯૦ વર્ષનાં ગોદાવરીબા સહિતના સીનીયર સીટીઝન્સ સવાર-સવારમાં જ વોટિંગ કરવા માટે પરિવારના સભ્યો સાથે મતદાન મથકોમાં ઊમટી પડયાં હતાં. આટલી મોટી ઉમરે પણ આ સિનીયર મતદાતાઓનો ઉત્સાહ યંગ સ્ટર્સને પણ શરમાવે એવો જોવા મળ્યો હતો.

૧૦૩ વર્ષનાં ઉમીયા પટેલે વોટીંગ કરીને બહાર આવ્યા બાદ કહ્યું હતું કે આટલી ઉંમરે વોટ આપવા આવી છું. વોટ આપીને  મને મારું લાગ્યું. મારાથી ચલાતું નથી છતાં વોટીંગ કરવા આવી છું. મત લાખ રૂપિયાનો છે એટલે એ આપવો જોઇએ. વોટીંગ કરવા માટે બધાએ જવું જોઇએ.

૯૦ વર્ષનાં ગોદાવરી પટેલે કહયું હતું કે 'હું ભણેલી નથી, પણ બધાને કહું છું કે મતદાન કરવું જોઇએ. અમે આ ઉંમરે પણ વોટીંગ કરવા આવ્યા છીએ. તમને ગમે તેને મત આપવો જોઇએ, પણ મત તો આપવો જ જોઇએ.'

અમદાવાદ ઉપરાંત ડાકોરમાં ૧૦પ વર્ષના દાદાજી, મહેસાણામાં ૧૧૦ વર્ષનાં બા અને એક દાદાજી તેમજ અરવલ્લીમાં ૧૧૪ વર્ષનાં માજી પણ ઉત્સાહ સાથે મતદાન કરવા મતદાન મથકોમાં આવ્યા હતાં અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

(11:55 am IST)