Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

સુરત : કોઝવેમાં નહાવા પડેલા ત્રણ કિશોર ડૂબ્યા

બેનો બચાવ એકનું મોત, પિતાએ પુત્ર ગુમાવ્યો : ચોક બજાર ખાતે કોઝવેમાં ફૂલહાર અને ભગવાનના ફોટા પધરાવ્યા બાદ નાહવા જતા ત્રણે પાણીમાં ડૂબ્યા હતા

સુરત,તા.૧૫ : સુરતમાં કોઝવેમાં ડૂબી જવાના કારણે એક બાળકનું મોત થતા દિવાળીના પર્વમાં માતમ છવાયો છે. શહેરના ચોકબજાર કોઝવેમાં ભગવવાને ચઢાવેલા ફૂલહાર અને ફોટોને પધરાવ્યા બાદ ત્રણ બાળકો નહાવા પડ્યા હતા. જોકે, જોત જોતામાં તો ત્રણેય બાળકો ડૂબવા લાગ્યા હતા. દરમિયાન તરવૈયાઓએ બાળકોને ડૂબતા જોઈને તાપીમાં ઝંપલાવ્યું હતું અને ડૂબી રહેલા કિશોરોને બચવવાનો પ્રયાસ કર્યો હતો. તરવૈયાઓની સમયસૂચકતાના કારણે બે બાળકોનાં જીવ બચાવવામાં સફળતા મળી હતી પરંતુ એક બાળક મોતને ભેટ્યો હતો. ડૂબી ગયેલો બાળક ૧૦માં ધોરણનો વિદ્યાર્થી હતો. ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો પહોંચ્યો હતો અને બાળકના મૃતદેહને કોઝવેમાંથી શોધી બહાર કાઢ્યો હતો. સુરતના કતારગામ વિસ્તારના વેડ રોડ પર આનંદપાર્ક સોસાયટીમાં રહેતા ગિરજાશંકર ઉપાધ્યાયનો ૧૬ વર્ષનો દીકરો કલ્પેશ અને બીજો ૧૪ વર્ષિય પુત્ર રવિ અને તેમની નજીકમાં રહેતા મિત્ર ૧૩ વર્ષિય સત્યમ જંદા આજે સવારે ચોક બજાર વિસ્તારમાં કસરત કરવા ગયા હતા. બાદમાં કસરત કરીને ત્રણેય ઘરે નાસ્તો કરવા આવ્યા હતા. બાદમાં ફરી બે ભાઈ અને તેમનો મિત્ર સત્યમ ઘરના ફૂલહાર અને ભગવાનના જુના ફોટાઓ કોઝવેના પાણીમાં પધરાવવા ગયા હતા. બાદમાં ત્રણે જણા કોઝવેમાં નાહવા માટે ગયા હતા. જેમાં અચાનક ત્રણેય મિત્રો પાણીમાં ડૂબી જવા લાગ્યા હતા. ત્યાં બૂમાબૂમ થવા લાગી હતી.આસપાસના તારવૈયાઓએ રવિ અને સત્યમને તાત્કાલિક પાણીમાંથી સહી સલામત બહાર કાઢ્યા હતા. જ્યારે કલ્પેશ પાણીમાં ગરમ થઇ ગયો હતો. અંગે ફાયર ઓફિસર સૃષ્ટિ ધોબી અને ફાયર જવાનો ઘટનાસ્થળે પહોંચી પાણીમાં શોધખોળ આદરી હતી. બાદમાં કલ્પેશને પાણીમાં બહાર કાઢી તેમને તાત્કાલિક બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.કલ્પેશ મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપુરના વતની હતો. વેડ રોડની સ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતો હતો તેનો એક ભાઈ અને એક બહેન છે. તેના પિતા પરિવારનું ભરણપોષણ કરવા માટે રિક્ષા ચલાવે છે. હાલ ઉપાધ્યાય પરિવારમાં દિવાળી જેવા ખુશીના મહોલમાં ગમગીની છવાઈ ગઈ હતી.

(3:43 pm IST)