Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ભિલોડા તાલુકાના રામપુરી ખાતે કોન્સ્ટેબલ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

ભિલોડા:તાલુકાના રામપુરી ગામે અરજી ઉપર  જરૂરી નિવેદન મેળવવા ગયેલા એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ફેટ પકડી,નીચે પાડી દઈ ઘરમાં ગોંધી રાખી અને બે મહિલાઓ આ સરકારી કર્મીઓને બાથે પડી જઈ હુમલો કરાતાં જ ચકચાર મચી હતી. જયારે આ પ્રકરણે આ બે પોલીસ કર્મીઓને બચાવવા ગયેલ ટીમના પોલીસ કર્મીઓને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી સરકારી કામમાં રૂકાવટ કરનાર બે મહિલા સહિત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો.

ભિલોડા પોલીસ સ્ટેશન તાબાના ટોરડા આઉટ પોસ્ટના એએસઆઈ ચંદુભાઈ ખાતુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ બદાભાઈ ગત બુધવારના રોજ એક અરજદારની અરજી ઉપર જરૂરી નિવેદન લેવા રામપુરી ગામે થયા હતા.અરજદાર શંકુતલાબેન નિનામાનું જરૂરી નિવેદન લીધા પછી આ બંને પોલીસ કર્મી સામાવાળા વિરમાજી નિનામાના ઘરે ગયા હતા.આ બંને  પોલીસ કર્મીઓને ઘરમાં બેસાડી એકાએક ઉશ્કેરાઈ ગયેલા વીરમાજી નિનામાએ ગાળો ભાંડવા માંડી હતી.અને તમો અરજદારને ઘરે કેમ ગયા હતા? અને તેની ચડાવણીથી અમારા ઘરે તમો કેમ આવેલા છો ? તેમ કહી ગાળો બોલતાં બોલતાં આ ઈસમે એએસઆઈ ચંદુભાઈની ફેંટ પકડી લીધી હતી. જયારે આ ઈસમ વીરમાજીની પત્નિ શારદાબેન અને તમેની પુત્રવધુ પ્રિયંકાબેને આ પોલીસ કર્મીને  ઘેરી લીધા હતા. અને વીરમાજીએ આ એએસઆઈ ને નીચે પાડી દીધા હતા.જયારે સાથેના પોલીસ કોન્સ્ટેબલ મુકેશસિંહ બચાવવા વચ્ચે પડતાં આ બંને મહિલાઓએ આ કર્મીની ફેટ પકડી નીચે પાડી દઈ આ બંને કર્મીને ઘેરી લીધા હતા અને બહાર પહેલા બુટ સંતાડી ઘરમાંથી બહાર નહી નીકળવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી. તક મળતાં પોતાના મોબાઈલ ઉપરથી આ એએસઆઈ એ ભિલોડા પોલીસ સ્ટેશને ફોન કરતાં ભિલોડા ખાતેથી પોલીસ ટીમ રામપુરી ગામે પહોંચી હતી.

(5:32 pm IST)