Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ગુજરાતમાં દિવસના 1300થી વધુ કેસ આવે છે, અમારા બાળકોનો જીવ અમને વ્‍હાલો છે, શાળાએ નહીં મોકલીએઃ કોરોના સંક્રમણ વધતા વાલીઓનો મત

અમદાવાદ: આખરે શાળાઓ ક્યારે ખૂલશે. ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે તેવું જણાવ્યું છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.

દિવાળી બાદ શાળા ખૂલશે એ વાત વહેતી થતા વાલીઓએ પોતાનો મત જણાવ્યો. જોકે, કોરોના સંક્રમણમાં બાળકને શાળામાં નહિ મોકલે તેવું સ્પષ્ટ વાલીઓએ કહી દીધું. વાલીઓએ કહ્યું કે, રાજ્યમાં દિવસના હાલ 1300થી વધુ કેસો આવે છે ત્યારે અમારા બાળકોનો જીવ મહત્વનો છે. માર્ચ-એપ્રિલમાં કેસો ઓછા હતા ત્યારે શાળાઓ બંધ કરાઈ હતી. હવે કેસો વધ્યા છે તો શાળાઓ ચાલુ થશે તો બાળકોને સંક્રમણ થવાનો ભય છે. અમારા બાળકોથી વધારે અમારા માટે કઈ નથી. બાળકોને કોરોનાનું સંક્રમણ નહિ થાય એની જવાબદારી કોઈ લે તો અમે વિચારી પણ શકીએ.

જોકે બીજી તરફ ઓનલાઈન શિક્ષણ વિશે પણ વાલીઓ ખૂલીને બોલ્યા હતા. તેમણે કહ્યું કે, હાલ ઓનલાઈન શિક્ષણ ચાલે છે, એનાથી ખર્ચ વધ્યો છે પણ બાળકો સુરક્ષિત છે, એનાથી વધારે સંતોષજનક કઈ ના હોઈ શકે. કેસો ઘટશે તો જ બાળકોને શાળામાં મોકલીશું, એટલે દિવાળી બાદ પરિસ્થિતિ શુ હશે એ જોઈને જ અમે નિર્ણય કરીશું.

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દો - વાલી મંડળ

વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે આ વિશે જણાવ્યું કે, જે રીતે ગુજરાતમાં કોરોના વધી રહ્યું છે તેને જોતા બાળકોને સ્કૂલે મોકલવા હિતાવહ નથી. 1 થી 8 ધોરણના બાળકોની ઈમ્યુનિટી નાજુક હોય છે. તેથી દિવાળી બાદ પણ સ્કૂલ ખોલવા અંગેના મતમાં વાલી મંડળ નથી. હાલ એક સત્ર પતી ગયું છે, અને બીજા સત્રમાં કેવી રીતે સ્કૂલ ચાલે છે તે જોવાનું રહ્યું. તેથી 1 થી 8 ધોરણના બાળકોને માસ પ્રમોશન આપી દેવું જોઈએ. આ સાથે જ 9 અને 11 ના ધોરણને પણ માસ પ્રમોશન આપી દેવું જોઈએ. માત્ર ધોરણ 10 અને 12મી જ પરીક્ષા લેવી જોઈએ.

(5:00 pm IST)