Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ગાંધીનગરની સે-21માં આવેલ મુખ્ય શાકમાર્કેટમાં સફાઈ બાબતે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં ન આવતા ગંદકીમાં વધારો

ગાંધીનગર શહેરના સેક્ટર-૨૧માં આવેલા મુખ્ય શાકમાર્કેટ પાસે સફાઇ બાબતે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવતાં ગંદકીમાં વધારો થઇ રહ્યો છે. જેના પગલે શાકભાજીની ખરીદી અર્થે આવતાં નગરજનોને હાલાકીનો સામનો કરવો પડે છે તો માર્કેટમાં વેપારીઓ દ્વારા દર વર્ષે ચોમાસાની મોસમમાં સર્જાતી આ સમસ્યા અંગે અવાર નવાર રજુઆતો કરવા છતાં તેનું નિરાકરણ લાવવામાં આવતું નથી. ગંદકીના પગલે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જવા પામ્યો છે. તો રખડતાં ઢોરો અડીંગો જમાવીને બેસી રહેતાં નગરજનોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પાટનગરની રચના વખતે નગરજનો શાકભાજીની ખરીદી કરી શકે તે માટે તંત્ર દ્વારા સેક્ટર-૨૧માં મુખ્ય શાકમાર્કેટ બનાવવામાં આવ્યું છે. આ માર્કેટમાં જરૃરી સુવિધાઓના અભાવે શાકભાજીનો વેપાર કરતાં વેપારીઓ તેમજ ખરીદી અર્થે આવતાં નગરજનોને પણ હેરાન પરેશાન થવું પડે છે. ચોમાસાની મોસમમાં શાકમાર્કેટની હાલત નર્કાગાર થઇ જતી હોય છે. વરસાદી પાણીના યોગ્ય રીતે નિકાલ થઇ શકે તે માટેની પુરતી વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવતાં દર વર્ષે ચોમાસામાં આ સમસ્યાનો સામનો વેપારીઓ તેમજ ખરીદી અર્થે આવતાં નગરજનોને કરવો પડે છે. જે અંગે માર્કેટના વેપારીઓ દ્વારા તંત્ર સમક્ષ અવાર નવાર રજુઆતો કરવા છતાં તેનું નિરાકરણ લાવવામાં આવતું નથી.તો માર્કેટની પાસે તંત્ર દ્વારા મુકવામાં આવેલી કચરાપેટીમાં એકઠો થતો કચરાનો નિયમીત નિકાલ નહીં કરાતાં ગંદકીમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ખોરાક અર્થે આવતાં રખડતાં ઢોરો પણ કચરાપેટીની આસપાસ જ અડીંગો જમાવીને બેસી રહેતાં નગરજનોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો બીજી તરફ સાફસફાઇ બાબતે તંત્ર દ્વારા યોગ્ય સુવિધા પુરી નહીં પડતાં કચરાના ઢગ ખડકાતાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ખરીદી અર્થે આવતાં નગરજનો તેમજ વેપારીઓને ગંદકીના પગલે અન્ય રોગચાળાનો સામનો ન કરવો પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા માંગ કરાઇ છે.

(5:13 pm IST)