Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

શનિવારે GSPC દ્વારા મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષા : ૧૪૪ કેન્દ્રો : ૩પ હજારથી વધુ ઉમેદવારો

તમામ કેન્દ્રો ઉપર વીજ પુરવઠો જળવાઇ રહે તે માટે વીજ તંત્રને આદેશો

રાજકોટ, તા. ૧૫: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ ૩ ની પરીક્ષા આગામી તા. ૧૭ જુલાઈના રોજ સવારે ૧૧.૦૦ થી ૦૧.૦૦ કલાક દરમ્યાન યોજાનાર છે. રાજકોટ શહેરના ૧૪૪ પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાનાર આ પરિક્ષામાં ૩૫ હજાર થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષાના સુચારૃં આયોજન અને અમલીકરણ અર્થે રાજકોટના અધિક કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર દરેક પરીક્ષા સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવા તથા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી તમામ પરીક્ષા સ્થળ પર સંપૂર્ણ સમય દરમિયાન વીજ પૂરવઠો જળવાઈ રહે એ માટેની સૂચના આપવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો ઉપર કોવીડ-૧૯ અન્વયે જરૂરી સેનેટાઈઝેશન તથા થર્મલ ગન/સેનેટાઈઝરની વ્યવસ્થા તથા અન્ય આરોગ્ય વિષયક જરૂરિયાત પૂરી પાડવા સબંધિત કચેરીના અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. સમગ્ર કામગીરીનું કો-ઓર્ડીનેશન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવશે તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ પણ સમગ્ર પરીક્ષા દરમિયાન મોનિટરિંગ કરશે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર તથા શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થાય તેની સંપૂર્ણ તૈયારી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.

(4:09 pm IST)