Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

વરસાદની અછતના કારણે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મૂકાયા

ચાર-પાંચ દિવસમાં ચોમાસુ ફરી સક્રિય ન થયું તો ઘણા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની આશંકા : વરસાદ ન પડયો તો મગફળીની ઉપજ એકદર દીઠ ૧૫૦થી ૨૦૦ કિલો થશે

રાજકોટ, તા.૧૪: વિલંબિત અને અપૂરતા વરસાદે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે ચિંતા ઉભી કરી છે, કારણ કે જો આગામી ચાર-પાંચ દિવસમાં ચોમાસુ ફરી સક્રિય ન થયું તો તેમાંથી દ્યણાના પાક નિષ્ફળ જવાની આશંકા છે. આશરે ૩૨થી ૩૫ લાખ ટનની નીપજ સાથે સૌરાષ્ટ્ર દેશમાં મગફળીનું સૌથી મોટું ઉત્પાદક છે.

આ ચોક્કસ સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ એ સમય છે જયારે પાકને વધારે પાણીની જરૂર પડે છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, છોડના મૂળ જમીનનાં છેક ઊંડે સુધી જાય છે અને તેથી પાણીની જરૂર વધારે પડે છે.

રાજય સરકારે સિંચાઈ માટે ડેમનું પાણી આપવાની જાહેરાત કરી છે, પરંતુ મગફળી ઉગાડતા ખેડૂતોનું કહેવું છે કે, પાક માટે તે ઘણું મોડુ થઈ શકે છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

જેતપુરના રહેવાસી તેવા પ્રવિણ પાટોડિયા નામના ખેડૂતે કહ્યું હતું કે, 'સૌરાષ્ટ્રના ઘણા ખેડૂતો પાસે સિંચાઈની સુવિધા નથી. તેઓ મોટાભાગે વરસાદ પર આધાર રાખે છે. ડેમમાંથી પાણી અમારા સુધી પહોંચતા લગભગ પાંચ દિવસ લાગશે, પરંતુ ત્યાં સુધીમાંમ તો ભાગ નિષ્ફળ ગયો હશે'.

કૃષિ નિષ્ણાતોના મતે મગફળીના છોડને વાવણીના ૪૫ દિવસ પછી સૌથી વધારે પાણીની જરૂર પડે છે. હાલમાં આ વૃદ્ઘિનો બીજો તબક્કો છે અને તેની ઉપજ માટે ૯૦થી ૧૨૦ દિવસ લાગે છે. છેલ્લા ૨૦ દિવસને છોડી દઈએ તો, મગફળીને સૌથી વધારે પાણીની જરૂર છે. ગયા વર્ષે, ખેડૂતોને ચીનમાં મગફળીની વધારે માગ હોવાથી સારું એવું વળતર મળ્યું હતું અને આ વર્ષે પણ તેઓ સારી કમાણીની અપેક્ષા રાખતા હતા, પરંતુ વરસાદની અછત તેમની આશા પર પાણી ફેરવી શકે છે.

ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એન્ડ ઓઈલ સીડ્સ અસોસિએશનના પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું કે, 'એકર દીઠ સરેરાશ ઉપજ ૪૦૦ કિલોની આસપાસ છે, પરંતુ આગામી ચાર-પાંચ દિવસમાં વરસાદ નહીં આવે તો તે ઘટીને લગભગ ૧૫૦થી ૨૦૦ કિલો પ્રતિ એકર રહી જશે. તેનો અર્થ એ થયો કે પાકની કુલ ઉપજ ૧૫ લાખથી ૧૮ લાખ ટન વચ્ચે હશે'.

નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) દર વર્ષે ટેકાના ભાવ પર મગફળી ખરીદે છે અને આ સીઝનમાં ઓઈલ મિલરોને સ્ટોક વેચે છે. ગયું વર્ષ અપવાદરૂપ હતું કારણ કે ખેડૂતોને ટેકાના ભાવ કરતા બજારમાં સારા ભાવ મળ્યા હતા. ઓઈલ મિલરો હાલ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્યિમબંગાળથી પિલાણ માટે મગફળીની આયાત કરી રહ્યા છે.

કિશોર વિરડીયાએ કહ્યું હતું કે, 'સૌરાષ્ટ્રની જમીન મગફળી માટે સૌથી સારી છે પરંતુ ખેતી હેઠળનો મોટાભાગનો વિસ્તાર ચોમાસા પર નિર્ભર છે કારણ કે ત્યાં યોગ્ય સિંચાઈ નેટવર્ક નથી. વર્તમાન વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો, આપણે પાકની મૌટી નિષ્ફળતા પર જોઈ રહ્યા છે. પિલાણ માટે, આપણે મહારાષ્ટ્ર, દક્ષિણ ભારતીય રાજયો અને રાજસ્થાનના પાક પર નિર્ભર રહેવું પડશે'.

મગફળીની ખેતી અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં થાય છે.

(12:46 pm IST)