Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

સુરત ખાતે શાકભાજીવિક્રેતાઓ દ્વારા મનપા દ્વારા બનાવવામાં આવેલ શાક માર્કેટમાં સ્ટોલ ખરીદવામાં નિરસતા દાખવવામાં આવી રહી છે

ચૌટાપુલ, ગલેમંડી અને સૈયદપુરા શાક માર્કેટમાં સ્ટોલ ફાળવણીના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે: શાક માર્કેટમાં સ્ટોલ ફાળવણીના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

સુરત: શહેરના કોટ વિસ્તારમાં દબાણની છાશવારે ઉઠતી ફરિયાદો વચ્ચે શાકભાજીવિક્રેતાઓ દ્વારા મનપા દ્વારા બનાવવામાં આવેલ શાક માર્કેટમાં સ્ટોલ ખરીદવામાં નિરસતા દાખવવામાં આવી રહી છે. અગાઉ ચાર વખતના નિષ્ફળ પ્રયાસો બાદ હવે વધુ એક વખત મનપા દ્વારા સેન્ટ્રલ ઝોનમાં આવેલ ચૌટાપુલ, ગલેમંડી અને સૈયદપુરા શાક માર્કેટમાં સ્ટોલ ફાળવણીના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

જો કે, આ વખતે પણ સફળતા અંગે શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવતાં શાકભાજી માર્કેટો શોભાના ગાંઠિયા સાબિત થાય તો નવાઈ નહીં. મહાનગર પાલિકા દ્વારા રસ્તા પર શાકભાજી વેચતા ફેરિયાઓ અને વિક્રેતાઓનું ન્યૂસન્સ દુર કરવા માટે પ્રત્યેક ઝોનમાં અલાયદી શાકભાજી માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી સેન્ટ્રલ ઝોનમાં પણ ચૌટાપુલ, ગલેમંડી અને સૈયદપુરામાં બનાવવામાં આવેલી શાક માર્કેટોમાં સ્ટોલ ફાળવણી માટે ચાર ચાર વખત નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ મહિને માત્ર 240 રૂપિયા સ્ટોલનું ભાડું હોવા છતાં શાકભાજી વિક્રેતાઓ અને ફેરિયાઓ આ માર્કેટમાં સ્ટોલ ભાડે રાખવામાં કોઈપણ પ્રકારનો ઉત્સાહ ન દાખવતાં હવે મનપા તંત્ર માટે આ શાકભાજી માર્કેટોમાં સ્ટોલ ફાળવણી કરવા માટે વધુ એક વખત પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. રસ્તાની વચ્ચોવચ્ચ અડિંગો જમાવીને સવાર સાંજ શાકભાજી ફળફળાદિનું વેચાણ કરતા ફેરિયાઓ અને વિક્રેતાઓને જાણે રસ્તા પર જ ધંધો કરવાનું માફક આવ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. પોલીસ અને મનપાના દબાણ વિભાગ દ્વારા છાશવારે આ દબાણકર્તાઓ વિરૂદ્ધ કામગીરી કરવામાં આવતી હોવા છતાં આ ફેરિયાઓ વિક્રેતાઓ મનપા દ્વારા બનાવવામાં આવેલ શાકભાજી માર્કેટોમાં સ્થળાંતર મુદ્દે નિરસતા દાખવી રહ્યા છે.

સેન્ટ્રલ ઝોનમાં તો શાકભાજી વિક્રેતાઓના દબાણની અસંખ્ય ફરિયાદો વચ્ચે હવે વધુ એક વખત મનપા દ્વારા આ ઝોનમાં આવેલા ચૌટાપુલ શાક માર્કેટમાં પાંચ, ગલેમંડી શાક માર્કેટમાં 10 અને સૈયદપુરા શાક માર્કેટમાં ચાર સ્ટોલની ફાળવણીની પ્રક્રિયા હાથ ધી છે. માત્ર 240 રૂપિયાનું માસિક ભાડુ હોવા છતાં પણ શાકભાજી વિક્રેતાઓ દ્વારા ઉત્સાહ ન દાખવવામાં આવતાં આ વખતે સ્ટોલ વિતરણની કામગીરી સફળ રહેશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે.

 

(11:55 pm IST)