Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

નડિયાદના ભગાપુરામાંથી નશીલા પદાર્થ પોશડોડાનો 44 કિલો જથ્થો ઝડપાતા ચકચાર

એક ઈસમના ઘરમાંથી જથ્થો ઝડપી પાડયો હતો. આ જથ્થો મધ્યપ્રદેશથી મંગાવ્યો હોવાનુ સામે આવતા પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે: અગાઉ ઈસમ આ ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું નથી

નડિયાદ: નડિયાદના ભગાપુરામાંથી નશીલા પદાર્થ પોશડોડાનો 44 કિલો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

SOG પોલીસે બાતમી આધારે દરોડા પાડી એક ઈસમના ઘરમાંથી જથ્થો ઝડપી પાડયો હતો. આ જથ્થો મધ્યપ્રદેશથી મંગાવ્યો હોવાનુ સામે આવતા પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે :

ખેડા નડિયાદ SOG પોલીસને બાતમી મળી હતી કે નડિયાદ તાલુકાના ભગાપુરામાં રહેતા મનુ દેસાઈભાઈ વાઘેલા પોતાના ઘરમાં પોશડોડાનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. જે બાતમી આધારે ટીમે દરોડા પાડયા હતા. ઈસમના ઘરમાંથી ત્રણ પ્લાસ્ટીકના કોથળા ભરીને પોશડોડાનો જથ્થો, 100-100 ગ્રામના સેમ્પલ, વજનીયા મળી આવ્યા હતા. પોલીસે રૂ. 1,33,500નો મુદ્દામાલ કબજે લઈ ઈસમની અટક કરી તેના વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મધ્યપ્રદેશથી પવન અને બદ્રી નામના બે ઈસમો આજે સવારના સમયેજ પોશડોડાનો જથ્થો આપી ગયા હોવાનું અને તેમને રૂ.1.27 લાખ ચૂકવ્યા હોવાનું ઈસમે જણાવ્યું હતું. આ મામલે SOG PI વી.કે.ખાંટે જણાવ્યું હતું કે ઈસમ આસપાસના વિસ્તારના લોકોને છૂટક વેચાણ કરતો હોવાનું અને પ્રથમવાર જ આ જથ્થો મંગાવ્યો હોવાનું ઈસમે જણાવ્યું હતું. અગાઉ ઈસમ આ ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું નથી. તેના પિતા પણ નશીલા પદાર્થ લેતા હોવાનું ઈસમે જણાવ્યું હતું. આ મામલાની વધુ તપાસ કરી રહેલ ચકલાસી પોલીસે જણાવ્યું હતું કે આવતીકાલે આ ઈસમને રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

 

(11:50 pm IST)