Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

કોંગ્રેસના અગ્રણી અને દેહગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડે કોંગ્રેસમાંથી રાજનામું આપી દીધાની કેટલીક ચર્ચાઓ: કામિનીબા રાઠોડે પોતાના રાજીનામા અંગે ચોખવટ કરી દીધી છે. તેમણે કહ્યું કે, મેં કોંગ્રેસમાંથી રાજીનામું હજું આપ્યું નથી: પાર્ટી મારી વાત નહીં સાંભળે તો નિષ્ક્રિય થઈ જઈશ

જો મારી માંગ પૂરી ન થઈ તો નિવૃતિ જાહેર કરી દઈશ

દેહગામ: દેહગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડે કોંગ્રેસમાંથી રાજનામું આપી દીધાની કેટલીક ચર્ચાઓ થઈ રહી હતી. આવી અટકળ વહેતી થતા મામલો ગરમાયો હતો. એટલે કામિનીબા રાઠોડે પોતાના રાજીનામા અંગે ચોખવટ કરી દીધી છે. તેમણે કહ્યું કે, મેં કોંગ્રેસમાંથી રાજીનામું હજું આપ્યું નથી. મારૂ સ્ટેન્ડ ક્લિયર છે. પાર્ટી મારી વાત નહીં સાંભળે તો નિષ્ક્રિય થઈ જઈશ.

સંગઠન અંગે નારાજગી વ્યક્ત કરતા કામિનીબાએ નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.

તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, જો રજૂઆત પર ધ્યાન દેવામાં નહીં આવે તો કોંગ્રેસમાંથી છેડો ફાડવાની તૈયારી છે. સાચી રીતે કોંગ્રેસમાં કામ કરનારને સંગઠનમાં સ્થાન મળવું જોઈએ. જો મારી માંગ પૂરી ન થઈ તો નિવૃતિ જાહેર કરી દઈશ. મારો મુદ્દો કોઈ ટિકિટનો નથી પક્ષે મને ઘણું આપ્યું છે. પણ દેહગામના કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર થવા જોઈએ. સંગઠનમાં થઈ રહેલી નિયુક્તિ અંગે નારાજગી છે. જે લોકોને સંગઠનમાં સામિલ કરવામાં આવે છે એ કદી પક્ષની બેઠકમાં હાજર પણ થયા નથી. કોને સંગઠનમાં સમાવવા એ વાત મે પક્ષ સામે મૂકી છે.

સી.જે.ચાવડા સામે બેઠકમાં કામિનીબાએ આ વાત કહી હતી. ચાવડાએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી છે. આ ઉપરાંત તેઓ જગદીશ ઠાકોર જેવા કોંગ્રેસના આગેવાન સાથે ચર્ચા કરી રહ્યા છે. કામિનીબા રાઠોડ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે એવા અહેવાલ મીડિયામાં વહેતા થયા છે. જેના પર તેમણે આ મોટી ચોખવટ કરી હતી. તેમણે એવી પણ ચોખવટ કરી છે કે, મેં લેખિતમાં કોઈ રાજીનામું આપ્યું નથી. મારા કાર્યકર્તાઓ સાથે મળીને આગામી સમય માટે રણનીતિ નક્કી કરીશ.

હજુ સુધી જેટલી ચર્ચાઓ કરી અને જે કંઈ વાત થઈ એ અંગે કોંગ્રેસે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. જગદીશ ઠાકોર અને ચાવડાએ પણ આ મામલે નિવેદન દીધું નથી. કામિનીબાએ કહ્યું કે જ્યારે મને ભાજપમાંથી મસમોટી રકમ સાથે ઓફર આવી ત્યારે પણ કોંગ્રેસ સાથે રહી હતી અને હજુ પણ વફાદાર રહી રહી છું.

(11:43 pm IST)