Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

પોતાની પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે આવેલા AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીને અમદાવાદમાં વિરોધનો સામનો કરવો પડ્યો છે: ઓવૈસી જ્યારે પોતાનો કાર્યક્રમ પતાવીને ઈફ્તારી માટે જઈ રહ્યાં હતા, ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ કાળા વાવટા ફરકાવી તેમનો વિરોધ કર્યો હતો

કોમી હિંસા માટે રાજ્ય સરકાર જવાબદાર: ઓવૈસી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોતાની પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે આવેલા AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીને અમદાવાદમાં વિરોધનો સામનો કરવો પડ્યો છે.

ઓવૈસી જ્યારે પોતાનો કાર્યક્રમ પતાવીને ઈફ્તારી માટે જઈ રહ્યાં હતા, ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ કાળા વાવટા ફરકાવી તેમનો વિરોધ કર્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઓવૈસી અમદાવાદના જૂહાપુરા વિસ્તારમાં આવેલા છીપા ટેનામેન્ટ ખાતે પાર્ટીના એક કાર્યકર્તાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક લોકોના ટોળાએ સુત્રોચાર કરીને ઓવૈસીનો વિરોધ કર્યો હતો. મુસ્લિમ સમાજના લોકો ઉપરાંત મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ઓવૈસીનો વિરોધ કર્યો હતો.

પ્રદર્શન કરી રહેલા સ્થાનિક લોકોએ 'ઔવૈસી વાપસ જાઓ વાપસ જાઓ'ના બેનર સાથે સુત્રોચાર કરીને AIMIM ચીફનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને AIMIMના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

કોમી હિંસા માટે રાજ્ય સરકાર જવાબદાર: ઓવૈસી
ગુજરાતમાં રામનવમીના પર્વ પર થયેલી હિંસા અંગે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવતા ઓવૈસીએ કહ્યું કે, લૉ એન્ડ ઓર્ડરની જવાબદારી સરકારની છે, પરંતુ ગુજરાત સરકાર તેમાં સદંતર નિષ્ફળ રહી છે. જો સરકાર પાસે પહેલાથી કોઈ ઈનપુટ હતા, તો પહેલા જ કાર્યવાહી કેમ ના કરી?

ઓવૈસીએ સંઘ પ્રમુખ મોહન ભાગવતના અખંડ ભારત બનાવવાના નિવેદન પર કટાક્ષ કરતાં કહ્યું કે, અખંડ ભારતનો અર્થે અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ. આવા લોકોએ પહેલા એ જમીન પરત લાવવી જોઈએ, જે ચીને પચાવી પાડી છે.

(11:40 pm IST)