Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

નળસરોવર પક્ષી શિકારના 2018 નાં ગુન્હામાં ઝડપાયેલ આરોપી વહાણભાઈ કમશુભાઈ પઢારને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ. 10 હાજરનો દંડ ફટકારતી લીંબડીની અદાલત

અમદાવાદ : તા.૦૭/૦૮/૨૦૧૮ના રોજ નળસરોવર પક્ષી અભયારણ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ વાસોડી વિસ્તારમાં કેટલાંક ઈસમો પક્ષી શિકારની પ્રવૃતિ કરતાં હોવાની બાતમી મળતાં તત્કાલિન રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડૉ. ભાવેશ પટેલ તથા નળસરોવર વન વિભાગના કર્મચારીઓએ ધરજી ગામનાં વહાણભાઈ કમશુભાઈ પઢારને કેટલાંક જીવંત અને મૃત પક્ષી સાથે રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ નાસી છુટ્યા હતાં. જેઓની પાછળથી અટક કરી પક્ષી શિકારમાં વપરાયેલ મુદ્દામાલ કબ્જે લેવામાં આવેલ હતો.

આરોપીઓ સામે વન્યપ્રાણી સંરક્ષણ ધારા-૧૯૭રની વિવિધ કલમો હેઠળ પક્ષી શિકારના ગુન્હો નોંધી નામદાર જ્યુડિશીયલ મેજીસ્ટેટ (ફસ્ટ ક્લાસ) લીંબડીની અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નામદાર અદાતલના માનનીય ન્યાયાધીશ એમ.આર.પટેલ દ્વારા પક્ષી શિકારના ગુનામાં રજુ થયેલ તમામ પુરાવાઓ તેમજ સરકાર પક્ષે અને બચાવપક્ષે થયેલ રજુઆત ધ્યાને લઈ તા.૧૩/૦૪/ર૦રરના રોજ આ ગુનાના આરોપી વહાણભાઈ કમશુભાઈ પઢાર, રે-ધરજીને પક્ષી શિકારના ગુના સબબ ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ.૧૦,૦૦૦/-ના દંડની સજા ફરમાવવામાં આવેલ છે.

તત્કાલિન મદદનીશ વન સંરક્ષક ડૉ. બ્રિજેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તત્કાલિન રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડૉ. ભાવેશ પટેલ, તત્કાલિન વનપાલ કરણીદાન આઢાએ આ ગુનાની વિસ્તૃત તપાસ અને સબળ પુરાવાઓ એકઠા કરવાની ખુબ જ પ્રસશનીય કામગીરી હાથ ધરી હતી. સરકાર પક્ષે લીંબડી જે.એમ.એફ.સી, અદાલતના સરકારી વકીલ એસ.ડી.મેવાડાએ આ કેસમાં સરકાર પક્ષે સબળ રજુઆત કરી હતી.

આ હુકમ બાબતે કાયદાકીય ભલામણ અનુસાર આરોપીને મહત્તમ સજા થાય તેમજ શંકાનો લાભ આપી છોડી દેવામાં આવેલ ત્રણ આરોપીઓને પણ સજા થાય તે માટે અપીલ દાખલ કરવાની કાર્યવાહી વિચારાધીન છે તેમ નાયબ વન સંરક્ષક, સાણંદની એક યાદી મા જણાવાયું છે.

(10:11 pm IST)