Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

વડોદરા:મોજશોખ માટે વિદ્યાર્થીઓની સાયકલ સહીત બાઈકની ચોરી કરનાર 3 વિદ્યાર્થીઓની ગેંગને પોલીસે રંગે હાથે ઝડપી પાડી

વડોદરા: વડોદરાના એમ એસ યુનિવર્સિટી કેમ્પસ વિસ્તારમાં રમવા માટે આવતા વિદ્યાર્થીઓ ની સાયકલો ઉઠાવતી ૩ માસુમ વિદ્યાર્થીઓની ગેંગ સયાજીગંજ પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. બે દિવસ પહેલા યુનિવર્સિટી પેવેલિયન ગ્રાઉન્ડ પરથી એક વિદ્યાર્થીની સાયકલ ચોરાતા તેની માતાએ પોલીસ સ્ટેશન ને જાણ કરી હતી. જેથી સયાજીગંજના પીઆઈએ એક ટીમને સીસીટીવી ફૂટેજ તપાસવાનું કામ સોંપ્યુ હતું. આ દરમિયાન પોલીસને ત્રણ વિદ્યાર્થીઓ સાયકલ લઈ જતા નજરે પડ્યા હતા. જેથી પોલીસે વધુ કૅમેરા તપાસી તેમજ અન્ય સોર્સ મારફતે ત્રણેય વિદ્યાર્થીઓને ઓળખી કાઢ્યા હતા. ગઈકાલે ત્રણ વિદ્યાર્થીઓને પોલીસે ઝડપી પાડતા તેઓ ગભરાઈ ગયા હતા અને કરગરવા માંડ્યા હતા. સયાજીગંજ ના હે.કો.દીપકભાઈએ ત્રણેયની પુછપરછ કરતા તેમણે છ મહિનામાં નવ સાયકલ ચોરી હોવાની કબૂલાત કરી હતી. ઇંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરતા અને 80 ટકાથી વધુ માર્ક મેળવતા ત્રણેય લબરમૂછિયાઓએ મિત્રો સાથે પાર્ટી કરવા, ફિલ્મો જોવા તેમજ ફાસ્ટ ફૂડની મજા માણવા માટે રૂપિયા ની જરૂર હોવાથી સાયકલો ચોરી સગીર મિત્રોને સસ્તામાં વેચી દીધી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે નવ સાયકલ રિકવર કરી ત્રણેય વિદ્યાર્થીઓના માતા-પિતાને બોલાવી તેઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલતા અને કારકિર્દી પર ધ્યાન આપવા માટે ખાતરી આપતા તેઓને માતા-પિતાને સોંપી દેવાયા હતા.

(6:19 pm IST)