Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

વડોદરાના આજવારોડ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી કટાંળી સિનિયર સિટીઝને આપઘાત કરી મોતનેવહાલુ કર્યું

વડોદરા:શહેરના આજવા રોડ ખાતે રહેતા વૃદ્ધએ ભાગીદારીમાં ધંધો કર્યા બાદ 65 લાખનું નુકશાન થતા અલગ અલગ વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જે પૈકી વ્યાજ સહિત ઘણી રકમ ચૂકવી હોવા છતાં વ્યાજખોરોએ ટેલિફોનિક તથા રૂબરૂ પઠાણી ઉઘરાણી કરી હતી. જ્યારે ભાડુઆત પાસેથી 04 લાખ રૂપિયા લીધા હતા. જે પેટે 10 લાખનો ચેક બાઉન્સ થતા ભાડુઆતની પત્નીએ 14 લાખની રકમ માટે બ્લેકમેલિંગ કર્યું હતું. આમ અવારનવાર ટોર્ચરથી કંટાળી વૃદ્ધએ ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો હતો. મૃતકના  દીકરાની ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ, વિશ્વાસઘાત તથા ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, મૂળ વડોદરાના રહેવાસી અને હાલમાં બેંગ્લોર ખાતે રહેતા શક્તિરાજસિંહ રાણા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના પિતા યોગેન્દ્રસિંહ અને માતા રાજેશ્વરી બેન વડોદરા ખાતે વસવાટ કરે છે. 20મી માર્ચના રોજ તેમના સંબંધીએ  જાણ કરી હતી કે, તમારા પિતા કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી ગયા છે અને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેથી શક્તિરાજસિંહ વડોદરા દોડી આવ્યા હતા. અને ઘરે તપાસ કરતા ત્રણ પેજની સુસાઇડ નોટ મળી આવી હતી. જેથી તેમણે ફરિયાદ નોંધાવી હતી કે,  વાડીના બિરેન પટેલે અપાવેલા રૂપિયાનું વ્યાજ તેમજ અન્ય લોકો પાસેથી લીધેલા નાણાનું વ્યાજ ચૂકવવા માટે મારા પિતાની વાગરા ખાતેની 45 લાખની કિંમતી દોઢ એકર જમીન માત્ર 18 લાખમાં તેમના પિતાનું નામ કમી કરાવી બીરેને તેના પાર્ટનરને આપી દીધી છે. તદુપરાંત જણીયાદરા ગામ ખાતે આવેલી સાડા ચાર એકર જમીન 16 લાખમાં ગીરવે મૂકી 04 લાખ રૂપિયા લઇ ગયો છે. તેમ છતાં બિરલ મારા પિતાજીને ટોર્ચર કરી વ્યાજનું વ્યાજ ગણી રૂપિયાની ઉઘરાણી કરતો હતો. જ્યારે ચોખંડી વિસ્તારમાં રહેતો ઇન્દ્રવદન સુખડિયાએ મારા પિતાજીને આપેલા રૂપિયા પેટે ટોર્ચર કરી આજવા રોડ ખાતેનું મકાન રજીસ્ટર બાનાખત કરાવી લીધું છે. આમ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા અને તેમના ટોર્ચરથી કંટાળી મારા પિતાએ ઝેરી દવા ગટગટાવી હતી. સારવાર દરમિયાન બે દિવસ બાદ તેમનું મોત નિપજ્યું છે.  આ ગુનામાં પોલીસે મોબાઇલ ફોન, સીમકાર્ડ ,સુસાઇડ નોટ તથા દસ્તાવેજી પુરાવા તપાસના કામે કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:19 pm IST)