Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

આણંદ જિલ્લામાં કતલના ઇરાદે પીકઅપ વાહનમાં ગેરકાયદે પશુઓની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા

આણંદ : આણંદ જિલ્લા ટ્રાફીક શાખાએ પેટ્રોલીંગ દરમ્યાન ગતરોજ ખંભોળજ-ઉમરેઠ રોડ નહેર પાસેથી એક પીકઅપ વાહનમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતા બે શખ્સોેને પકડી પાડયા હતા. આ પશુધનને બાલાસિનોરથી વડોદરા-પાદરા તરફ કતલખાનામાં લઈ જવાના ઈરાદે હેરાફેરી કરતા હોવાથી ખંભોળજ પોલીસને સોંપાતા પોલીસે બંને  વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં ગોઠવાઈ હતી. દરમ્યાન ખંભોળજથી ઉમરેઠ-ડાકોર માર્ગ પર ખંભોળજ ગામની સીમ નજીક આવેલ નહેર પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે એક પીકઅપ વાહન ઓડ તરફથી આવી ચડતા ચેકીંગમાં ઉભેલ પોલીસે શંકાને આધારે તેને અટકાવવાનો ઈશારો કર્યો હતો. જો કે પોલીસને જોઈ ચાલકે પીકઅપ ગાડી પૂરઝડપે હંકારી મૂકી હતી. પરંતુ  તેનો પીછો કરી થોડેક દૂર પીકઅપ વાનને ઝડપી પાડી હતી. 

પોલીસે પીકઅપ વાહનમાં પાછળના ભાગે તપાસ કરતા ચાર ભેંસો એક દોરડાથી બાંધી અને શ્વાસોચ્છવાસ ના લઈ શકાય તે રીતે જકડીને બાંધી રાખેલ હાલતમાં જણાયા હતા. પોલીસે વધુ તપાસ કરતા આ પશુધનને બાલાસીનોરથી વડોદરા-પાદરા તરફ કતલ ખાનામાં લઈ જવાના ઈરાદે હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે પીકઅપ વાહનના ચાલક સહિત અન્ય એક શખ્સના નામઠામ અંગે પૂછપરછ કરતા તે મોહસીનભાઈ યુસુફભાઈ ભઠીયારા તથા ઈમરાન યુસુફભાઈ ભઠીયારા (બંને રહે. સૈયદવાડા, તા. બાલાસિનોર) હોવાનું ખુલવા પામ્યું હતું.  ટ્રાફિક પોલીસની ટીમે પીકઅપ ગાડી, ૪ ભેંસો તથા એક મોબાઈલ મળી કુલ રૂપિયા ૫,૩૧,૫૦૦ના મુદ્દામાલ  સાથે ખંભોળજ પોલીસને હવાલે કરતા પોલીસે ગેરકાયદેસર તથા ક્રુરતાપૂર્વક પશુઓની હેરાફેરી કરવાના ગુનામાં બંને શખ્સો વિરુધ્ધ  ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(6:20 pm IST)