Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

રાધનપુરમાં તાલુકાની સરકારી કચેરીમાં આવેલ બિલ્ડીંગ જર્જરિત થતા સ્લેબ તૂટવાથી ત્રણ તલાટી ઈજાગ્રસ્ત

રાધનપુર: રાધનપુર ખાતે નવાબી કાળ સમયના બિલ્ડિંગમાં તાલુકાની મહત્વની સરકારી કચેરીઓ આવેલી છે. આ બિલ્ડિંગ જર્જરિત બની ગઇ હોવા છતાં જીવના જોખમે અધિકારી અને કર્મચારીઓને બિલ્ડિંગમાં બેસવું પડે છે. અહીં આવેલ કસ્બા તલાટી કચેરીમાં ઉપરથી પોપડા પડતા ત્રણ તલાટીઓને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.

રાધનપુર ખાતે આવેલ કસ્બા તલાટી કચેરીમાં ફરજ બજાવતા કસ્બા તલાટી દિવાન યાસીનભાઈ તથા ચૌધરી રાકેશભાઈ હીરાભાઈ તેમજ રેવન્યુ તલાટી પ્રજાપતિ અંકિતભાઈ કચેરીમાં કામગીરી કરતા હતા  ત્યારે  ઉપરથી મોટા પોપડા પડયા હતા. અચાનક ઉપરના ધાબાના પોપડા પડતા નીચે કામગીરી કરતા ત્રણે તલાટીઓને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. ધાબામાંથી પોપડા પડતા થયેલા ધડાકાને કારણે આજુબાજુની કચેરીમાં બેઠેલા કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત તલાટીઓને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જર્જરિત થયેલ કચેરીના છતમાંથી મોટા પોપડા પડતા છત પર લગાવેલ પંખો પણ વળી જવા પામ્યો હતો અને કચેરીના ટેબલ અને ખુરશીને પણ નુકસાન થવા પામ્યું હતું.

(6:14 pm IST)