Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ડૉ. બાબાસાહેબના જન્મ દિવસે આપણે સૌ સમરસ સમાજ માટે સંકલ્પ લઈએ: જીતુભાઈ વાઘાણી

BAOUએ ડૉ. બાબાસાહેબ આંબેડકરનો જન્મદિન ‘સમરસતા સંકલ્પ પર્વ’ તરીકે ઊજવ્યો: આ પ્રસંગે ‘સમરસતા સંબોધિ રાષ્ટ્રીય પરિસંવાદ’નું પણ આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા કાર્યકારી કુલપતિશ્રી પ્રો.ડૉ. અમી ઉપાધ્યાયની પ્રેરણા અને માર્ગદર્શનથી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ પર્વ’ અને ‘સમરતા સંબોધિ રાષ્ટ્રીય પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આ સમારંભ BAOUના જ્યોતિર્મય પરિસરમાં આવેલા કશ્યપ સભાગાર ખાતે યોજવામાં આવ્યો.
સમારંભના અધ્યક્ષ તરીકે માનનીય કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આજે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આપનારા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીનો 131મો જન્મ દિવસ છે ત્યારે આ પાવન પ્રસંગે આપણે સૌ સમરસ સમાજ માટે સંકલ્પ લઈએ. હાથીની અંબાડી પર બાબાસાહેબે લખેલા બંધારણનો ગ્રંથ મૂકીને શોભાયાત્રા યોજવાનો વિચાર આપનારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિનો ભાવ છલકાઈ રહ્યો છે. અલગ અલગ વર્ગના લોકો સાથે સંવેદનાથી જોડાઈને જ સુદૃઢ રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે. આંબેડકરજીની જયંતીએ સંકલ્પ લઈએ કે કોઈ અશ્પૃશ્ય ન રહેવું જોઈએ. BAOU ટ્રાન્સજેન્ડર્સ, સેક્સવર્કર્સ, એચાઈવી/એઇડ્સથી પીડિત લોકો, દિવ્યાંગો તથા જેલના બંદીવાન ભાઈઓ-બહેનો તેમજ વંચિત સમુદાયને શિક્ષણની તક પૂરી પાડી રહી છે, પ્રતિબદ્ધતાપૂર્વક પ્રયાસો કરી રહી છે, એ અભિનંદનને પાત્ર છે. વંચિત સમુદાયોની જે પણ સમસ્યા હોય રાજ્ય સરકાર તેમનાં સૂચનોને આવકારે છે તથા જરૂર પડ્યે નવી નીતિ ઘડીને પણ તેમના કલ્યાણ માટે કામગીરી કરવા પ્રતિબદ્ધ છે.
શ્રી જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે અને વડાપ્રધાન તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી યુવાનોને ટેલેન્ટને તક આપવા, પ્રોત્સાહન આપવા સતત પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. આપણા માટે ગૌરવની વાત છે કે ગુજરાતની યુનિવર્સિટીઓમાં ભણેલા યુવાનો આજે વિશ્વ શ્રેષ્ઠ મનાતી કંપનીઓમાં કામ કરી રહ્યા છે. BAOU વિશે તેમણે જણાવ્યું કે આઈઆઈએમ અને એનઆઈડીની જેમ BAOUનું પણ રાષ્ટ્રીય સ્તરે નામ પ્રતિષ્ઠા પામતું જાય છે, એ માટે સમગ્ર યુનિવર્સિટી પરિવારને શુભેચ્છા પાઠવું છું.
આ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા તરફથી ટ્રાન્સજેન્ડર્સ માટે વિશેષ કામગીરી કરવા બદલ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું સન્માન કરવામાં આવ્યું હતું, જેને માનનીય કુલપતિશ્રી પ્રો.ડૉ. અમી ઉપાધ્યાયે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈના વરદ હસ્તે સ્વીકાર્યું હતું.
આ પ્રસંગે ઉર્વશી તથા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા માનવી વૈષ્ણવ નામના બે ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓએ BAOU સાથેના પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે આ યુનિવર્સિટીએ શિક્ષણની તક આપીને તેમના જીવનમાં એક નવી આશાનો સંચાર કર્યો છે. ગુજરાત સરકાર ટ્રાન્સજેન્ડરની ફી ચૂકવે છે, એ બદલ અમે સરકારના ખૂબ આભારી છીએ.
રાજ્યમાં કુપોષણ વિરુદ્ધની લડાઈમાં શૈક્ષણિક પ્રયાસ રૂપે BAOUએ એક નવો અભ્યાસક્રમ ‘ડિપ્લોમા ઇન ફૂડ એન્ડ ન્યૂટ્રિશન્સ’ તૈયાર કર્યો છે. રાજ્યમાં કદાચ સૌપ્રથમ આવો અભ્યાસક્રમ તૈયાર થયો છે, જેનું લોન્ચિંગ શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું. રાજ્યભરના આંગણવાડીના મહિલા કાર્યકરો તથા આશાવર્કર બહેનો વગેરે આ અભ્યાસક્રમમાં જોડાઈને આનો વિશેષ લાભ મેળવી શકશે.
આ અવસરે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી (SSIP) અંતર્ગત BAOUના ‘દ્રોણાચાર્ય સેન્ટર ફોર ઇનોવેશન, સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ’ હેઠળ સમાવાયેલા રાજ્ય સ્તરના વિદ્યાર્થીઓની ટીમને શિક્ષણમંત્રીશ્રીના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા. તો ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર સાંસ્કૃતિક પીઠ અન્વયે યોજાયેલી વિવિધ બૌદ્ધિક સ્પર્ધાઓના વિજેતાઓને પણ રોકડ પુરસ્કારો શિક્ષણમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા.
સમારંભમાં ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી એસ.જે. હૈદર (IAS) પણ ઉપસ્થિત રહ્યા હતા. BAOUના સંચાલક મંડળના સભ્યશ્રી મૂકેશભાઈ રાઠવાએ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના આદર્શોને યાદ કરીને જણાવ્યું હતું કે આ વિશ્વવિભૂતિએ પોતે અનેક અપમાન સહન કર્યા, ભેદભાવનો ભોગ બન્યા છતાં દેશને એવું શ્રેષ્ઠ બંધારણ આપ્યું કે કોઈ સાથે ભેદભાવ ન થાય. હું પ્રથમ ભારતીય છું અને અંતિમ પણ ભારતીય છું, એવું કહેનારા બાબાસાહેબે દેશમાં સામાજિક, રાજકીય અને આર્થિક રીતે મજબૂત કરવા માટેનો પાયો બંધારણ રચીને નાખ્યો હતો.
સમારંભના પ્રારંભમાં સ્વાગત પ્રવચન આપતાં યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિશ્રી પ્રો.ડૉ. અમીબહેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ડૉ. બાબાસાહેબે બંધારણ થકી સમરસ સમાજ રચવાની દિશા ખોલી આપી હતી. આજે સમરસતાનો સંકલ્પ લેવાનો શ્રેષ્ઠ દિવસ છે. BAOU પોતાના અત્રિ- સ્પેશિયલ લર્નર સપોર્ટ સેન્ટર થકી વંચિત જૂથોના શિક્ષણ માટે પ્રયાસરત છે અને એ માટે સરકારશ્રી તરફથી સતત સહકાર અને સહાય મળતાં રહ્યા છે, એ માટે આભારી છું. બાબાસાહેબ સ્ત્રીઓના વિકાસને જ સમાજના વિકાસનો માપદંડ માનતા હતા ત્યારે તેમની સંકલ્પનાને સાકાર કરવા માટે યુનિવર્સિટી ગાર્ગી – સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઑફ વિમેન ચલાવે છે અને એ માટે મહિલાલક્ષી સંશોધન અને પુસ્તકલેખન માટે અનુદાન પણ આપે છે. ગુજરાતમાં સેક્સવર્કર્સ સાથે કામ કરતી 90થી વધારે સંસ્થાઓના સહયોગથી તેઓના શિક્ષણ અને વિકાસ માટે કામ કરવા પણ યુનિવર્સિટી પ્રતિબદ્ધ છે.
સમારંભના અંતમાં BAOUના કાર્યકારી કુલસચિવશ્રી ડૉ. ભાવિનભાઈ ત્રિવેદી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ઉદ્ઘાટન સમારંભ પછી યુનિવર્સિટીના પરિસરમાં પાંચ સ્તરે સમાંતર સત્રોમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં વિચારો અને કાર્યો સંબંધિત સંશોધન-પત્રોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.  BAOUના સંચાલક મંડળના સભ્યશ્રીઓ, નિયામકશ્રીઓ, અધ્યાપકશ્રીઓ તથા કર્મચારીઓ ઉત્સાહપૂર્વક આ સમારંભમાં સહભાગી બન્યા હતા.
-------------------------
ચિલીની રાજધાનીમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે નીચે આવી ગયું: શહેરમાં પાણીકાપનો અમલ કરવામાં આવ્યો
રાજધાનીના એવા વિસ્તારોમાં પાણી કાપ નહીં આવે, જ્યાં ઉચ્ચ વર્ગના લોકો રહે છે: આ ઉપરાંત જે વિસ્તારોમાં કૂવા વગેરેમાંથી પાણી પહોંચે છે ત્યાં પાણીકાપ કરવામાં આવશે નહીં
Photo: Aculeo-lagoon
માઇપો અને મેપોચોનું પાણીનું સ્તર ચિંતાજનક રીતે નીચે આવી ગયું છે. જેથી શહેરમાં પાણીકાપનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ કપાત વિવિધ વિસ્તારોમાં વૈકલ્પિક રીતે કરવામાં આવશે. ક્યાંક 24-24 કલાક સુધીનો કાપ આવી શકે છે.
ચિલીની સરકારનો અંદાજ છે કે છેલ્લા 30 વર્ષોમાં દેશની પાણીની ઉપલબ્ધતામાં 37%નો ઘટાડો થયો છે. આ સ્થિતિમાં વધુ સુધારાની અપેક્ષા નથી. તેના બદલે, એવો અંદાજ છે કે વર્ષ 2060 સુધીમાં દેશમાં 50% પાણી વધુ ઘટશે. એટલે કે, કટોકટી ભયાનક હોઈ શકે છે.
યોજના મુજબ, રાજધાનીના એવા વિસ્તારોમાં પાણી કાપ નહીં આવે, જ્યાં ઉચ્ચ વર્ગના લોકો રહે છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં કૂવા વગેરેમાંથી પાણી પહોંચે છે ત્યાં પાણીકાપ કરવામાં આવશે નહીં. તે વિસ્તારોમાં પાણી કાપનો સામનો કરવો પડશે, જ્યાં નદીઓમાંથી પાણી આપવામાં આવે છે.
ગવર્નર ક્લાઉડિયો ઓરાગોએ કહ્યું કે જે લોકો ક્લાઈમેટ ચેન્જને હળવાશથી લઈ રહ્યા છે, તેઓએ સાવચેત રહેવાની જરૂર છે. તેને અવગણવાની ભૂલ કોઈ ન કરે. લોકોએ સમજવું પડશે કે આ માત્ર વૈશ્વિક સમસ્યા નથી, પરંતુ આપણી પોતાની સ્થાનિક સમસ્યા પણ છે.

(6:01 pm IST)