Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

અમદાવાદના સીટીએમ ચાર રસ્‍તા પાસે 6 લાખના 60 ગ્રામ એમડી ડ્રગ્‍સ સાથે ફારૂકલાલો ઝડપાયોઃ પટવા શેરીના જાવેદશા પાસેથી લાવ્‍યો હતો

કાર, રોકડ, પ્રેસનું કાર્ડ સહિત 11.29 લાખનો મુદ્દામાલ જપ્‍ત

અમદાવાદઃ અમદાવાદ શહેર દિવસેને દિવસે નશાખોરી તરફ વળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છાશવારે શહેરમાં પ્રતિબંધિત ડ્રગ્સ પકડાય છે. ત્યારે ફરી એક વાર શહેરના પૂર્વ વિસ્તારમાંથી 6 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ સાથે ક્રાઈમબ્રાન્ચે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

એસઓજી ક્રાઇમે બાતમીના આધારે ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. મંગળવારે રાત્રે સીટીએમ ચાર રસ્તા પાસે નાયલોન નેટ પ્લાન્ટ સામે AMCના પાર્કિંગની દીવાલ પાસેથી રેડ કરી ફતેવાડીના ફારૂકલાલાને રૂ. 6 લાખનું મૂલ્ય ધરાવતાં 60 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યો હતો. પટવાશેરીના જાવેદશા પાસેથી ફારૂકલાલા ડ્રગ્સનો જથ્થો લાવ્યાની વિગતો પોલીસને મળી હતી. ફારૂક પાસેથી પોલીસને સાપ્તાહિક અખબારનું પ્રેસ આઈકાર્ડ મળી આવતા આરોપી પત્રકારત્વની આડમાં ડ્રગ્સનો વેપલો કરતો હોવાની શંકા છે. ત્યારે પોલીસે રિમાન્ડ માંગી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

પોલીસે સ્થળ પર એફએસએલ અધિકારીને બોલાવી પકડાયેલો પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનો પ્રાથમિક રિપોર્ટ મેળવ્યા બાદ કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી ફારૂક ઉર્ફે લાલા મેમણ પાસેથી 4 મોબાઈલ ફોન, પ્લાસ્ટિકની ઝીપ બેગ 16 નંગ, રોકડ રકમ રૂ. 2100, સફેદ સ્વિફ્ટ કાર, આધાર કાર્ડ, નાનો ડિજિટલ વજન કાંટો, સાપ્તાહિક ન્યૂઝ પેપરનું આઈ કાર્ડ કબ્જે કર્યું છે. આરોપી અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે કે કેમ તે અંગે પણ પોલીસે તાપસ હાથ ધરી છે.

આરોપી પાસેથી. પોલીસે 60.700 ગ્રામ મેફેડ્રોન રૂ. 6,07,000 ની કિંમતનું અને સ્વિફ્ટ કાર રૂ. 5 લાખ મળીને કુલ રૂ. 11,29,600નો મુદ્દામાલ કબ્જે લઇ આરોપી મો. ફારૂક ઉર્ફે લાલા ગુલામ હુસેન મેમણની વધુ તાપસ હાથ ધરી છે. આરોપી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો આ તમામની તાપસ શરૂ કરી છે. સાથેજ આ ડ્રગ્સ કૌભાંડમાં આરોપી સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલ છે અને આ ડ્રગ રેકેટ ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલું છે તમામની તાપસ શરૂ કરી છે અને વધુ કેટલાક આરોપીઓને શોધવાના ચક્રોગતિમાન શરૂ કાર્ય છે.

(5:48 pm IST)