Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પાનવા ગામમાં ૭ મહિને જન્મેલી બાળાને મૃત માનીને અંતિમવિધીની તૈયારી કરતા બાળા સજીવન થઇ

તાબડતોબ સારવારમાં ખસેડાઇ, જ્યાં સ્થિતિ સુધારા ઉપર

Photo: baby-

વલસાડ: ધરમપુર નજીકના પાનવા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતા એ સાતમા મહિને બાળકીને જન્મ આપ્યો હતો. તેનું વજન ઓછું હોવાથી 6 દિવસ દવાખાનામાં પેટીમાં રાખી હતી. જે બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. જેથી પરિવારજનોએ સ્મશાનમાં ખાડો ખોદીને અંતિમવિધિ શરૂ કરી હતી. પરંતુ ત્યારે જ પિતાના હાથમાં રહેલી બાળકીનું હલનચલન થવા લાગ્યુ હતુ. જે બાદ બાળકીએ આંખો ખોલતા પરિવારજનો આશ્રચર્યચકિત થઇ ગયા હતા.

સાતમા માસે જન્મી હતી દીકરી

ધરમપુરના પાનવા ગામમાં રેહતા જયમતીબેન અજયભાઈ ચૌધરીએ ધરમપુરની જનની હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. સાતમા માસે બાળકીને જન્મ આપ્યો હતો જેથી તેનું વજન ઓછું હોવાથી કાચની પેટીમાં રાખી હતી. પડશે એવું પરિવારને જણાવી બાળકીને સતત 6 દિવસ સારવાર આપીને ડોક્ટરે બાળકી મૃત હોવાનું જણાવી તમારા સાગા-સંબંધીને બોલાવી લો એમ કહી બાળકીનો કબજો આપી દીધો હતો. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

અચાનક બાળકી હલવા લાગી

બાળકીને સ્મશાનમાં લઇ જઇ જમીનમાં ખાડો ખોદી તેની અંતિમ વિધિ કરવાની તૈયારી ચાલતી હતી. ત્યાં અચાનક પિતાએ હાથમાં પકડેલી બાળકીએ હલન ચલન કરીને આંખ ખોલી હતી. જેથી હાજર તમામ લોકોને હર્ષની સાથે અચંબો થયો હતો. ગામના સરપંચને અંદાજ આવી જતા તરત બાળકીને 108માં વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં એક દિવસની સારવાર આપ્યા બાદ પરિવારે બાળકીને ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં એન આઈ સી યુમાં રાખી છે. હાલ તેની સ્થિતિ સુધારા ઉપર છે.

(5:47 pm IST)