Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

સુરતમાં સટ્ટા બેટીંગનું કારસ્‍તાન સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી પાડયુઃ 50 જેટલા સટોડિયા અને બુકીઅઓને પોલીસે વોન્‍ટેડ જાહેર કરાયા

લેપટોપ, મોબાઇલ, ફોન ચાર્જર, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્‍ત

સુરત: શહેરના પાલ વિસ્તારમાં દરોડો પાડી ક્રિકેટ મેચ ઉપરના સટ્ટા બેટિંગનું વધુ એક નેટવર્ક સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા ઉઘાડું પાડવામાં આવ્યું છે. એસએમસી દ્વારા ઉપરાછાપરી બે દરોડા પાડવા છતાં સ્થાનિક પોલીસના પેટનું પાણી હાલ્યું નથી. સટ્ટાબેટિંગનું હબ બની ચૂકેલા સુરતમાં પોલીસનો બુકીઓ પ્રત્યેનો ગાંધારી પ્રેમ હવે ગાંધીનગર સુધી ચર્ચાનો વિષય બન્યો છે. દમણ બાદ હવે સુરતમાં સટ્ટાખોરો એક્ટિવ બન્યા છે.

સટ્ટા બેટિંગ માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની માફક હવે સુરત પણ નામચીન બની ચૂક્યું છે. આઇપીએલ ઉપર અહીંથી કરોડોનો સટ્ટો રમાય છે. માત્ર ગુજરાત જ નહીં દેશના મોટા બુકીઓનું નેટવર્ક અહીં ફેલાયેલું છે. સુરતમાં પણ મુન્નો, ગજુ, વહાબ, મનોજ શર્મા, ક્રિશ્ના સુદામા, ગપ્પુ, રાહુલ બાવો, બંટી રાવણ, બંટી સિટિલાઇટ, બાલાજી, જીગરવાપી, બાલો, વિકાસ, વગેરે આરોપીઓ મોટું નેટવર્ક ઓપરેટ કરી રહ્યા છે. આ તમામ સુરત પોલીસ માટે નવા નામ કે ચહેરા નથી. બધા જ પોલીસ ચોપડે નોંધાયેલા છે. શહેર પોલીસના કારભારીઓના નજીક છે, તેમની સેવા ચાકરી કરવા માટે જાણીતા છે. કદાચ આ કારણોસર જ તેમની સામે કોઇ કાર્યવાહી કરાઇ રહી નથી.

બીજી તરફ સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા બીજી વખત પાલ વિસ્તારમાં દરોડો પાડી સટ્ટા બેટિંગના નવા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પાલમાં ગૌરવપથ ઉપર એપેક્ષ હોસ્પિટલ સામે આવેલા ગોથીક હેરીટાઇજના ત્રીજા માળે દરોડો પાડી આકાશ રમેશભાઇ ચાંદરાણીને ઝડ઼પી લીધો હતો. મેચ ઉપર સટ્ટાનું વલણ લેતાં આકાશ લુહાણા પાસેથી એક લેપટોપ, 29 મોબાઇલ ફોન, બે રાઉટર, બે ઇલેક્ટ્રીક બોંડ, 9 મોબાઇલ ચાર્જર તથા રોકડા 12,590 કબજે લેવાયા હતાં.

(5:46 pm IST)