Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

વિરમગામ શહેરમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિને ભવ્ય શોભાયાત્રા નિકળી

વિરમગામમાં આવેલા જૈન દેરાસરમાં પવિત્ર દિવસે ભગવાનને ભવ્યાતિભવ્ય અંગ રચના કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ સમસ્ત જૈન સમાજ ના આંગણે વર્ધમાન સ્વામિ (મહાવીર સ્વામી) જન્મ કલ્યાણક દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી વિરમગામ શાલીભદ્ર આરાધના ભવન ખાતે કરવામાં આવી હતી.  સવારે શાંતિનાથ જિનાલયથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા ટાવર, ગોલવાડી દરવાજા સહિતના વિરમગામ શહેરના રાજમાર્ગો પરથી પસાર થઇ હતી. આ ભવ્ય શોભાયાત્રામાં ધર્મધજા ભગવાનનો ચાંદીનો કલાત્મક રથ,  માથે બેડા લઇને કુવરીકાઓ, શાંતિ મંડળની બહેનોની રાસ મંડળી, માતા ત્રિશલાને આવેલા ચૌદ સ્વપ્નની ઝાંખી, શરણાઇ વાદક, ઢોલ, નગારા, ત્રાસા, બેન્ડવાજા સાથે મોટી સંખ્યામાં જૈન ભાઇ બહેનો જોડાયા હતા. રથ પર પુષ્પવૃષ્ટિ કરીને અનેક સ્થાનો પર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરમગામમાં આવેલા જૈન દેરાસરમાં પવિત્ર દિવસે ભગવાનને ભવ્યાતિભવ્ય અંગ રચના કરવામાં આવી હતી. વિરમગામ શહેર ઉપરાંત ધાકડી, માંડલ, રામપુરા ભંકોડા ખાતે પણ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસે ૧૦૦૦ સેવ બુંદી ગાંઠિયા ના પેકેટ બનાવી શ્રમીક વિસ્તારમાં અનુકંપા દાન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાનાથી ૨૯ માઈલ દૂર આવેલા 'બેસધા પટ્ટી' નજીક આવેલા કુંડલગ્રામમાં ચૈત્ર સુદ ૧૩ના થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું ત્રિશલા દેવી હતું. એવું માનવામાં આવે છે જ્યારે તેઓ માતાના ગર્ભમાં આવ્યાં તે સમયથી રાજ્યમાં રીદ્ધી સંપદા વધી હતી. આથી તેમને વર્ધમાન પણ કહે છે. માતાના ગર્ભમાં તેમના ચ્યવન પછી ધણી સારી ઘટનાઓ ઘટી હતી જેમકે વૃક્ષો આદિ પર વિપુલ પ્રમાણમાં ફૂલોનું ખીલવું આદિ. રાણી ત્રિશલાને ૧૪ (શ્વેતાંબર મત પ્રમાણે ૧૪ અને દિગંબર મત પ્રમાણે ૧૬) શુભ સ્વપ્નો આવ્યાં હતાં જેને જૈન પરંપરામાં એક મહાન આત્માના અવતરણનું ચિન્હ મનાય છે. જૈન પરંપરા માં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઈંદ્ર તીર્થકરને દેવલોકમાં લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઉજવે છે અને ત્યાર બાદ તેમની માતાને સોંપી દે છે. વર્ધમાન મહાવીરનો જન્મ દિવસ મહાવીર જયંતી સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર હોય છે.

(4:54 pm IST)