Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

કોંગ્રેસમાં મારી હાલત નસબંધી થયેલા વરરાજા જેવી

કોંગ્રેસ પક્ષમાં કોઇ મારો ભાવ પૂછતું નથી : ઘોર અવગણના : મને પીસીસીની કોઇ બેઠકમાં બોલાવાતો નથી : પક્ષના જ કેટલાક લોકો મને ખતરારૂપ ગણે છે : નરેશ પટેલને લાવવામાં ‘વિલંબ' કેમ ? પક્ષ સમુદાયનું અપમાન કરે છે : હાર્દિક પટેલે પોતાના પક્ષ ઉપર જ કર્યા તીખા પ્રહારો

અમદાવાદ તા. ૧૪ : ૨૦૧૫ના એક કેસમાં સુપ્રિમ કોર્ટ તરફથી સજા પર સ્‍ટે ફરમાવવામાં આવ્‍યા બાદ ચૂંટણી લડવાની ઇચ્‍છા વ્‍યકત કર્યાના એક દિવસ બાદ પાટીદાર નેતા અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પોતાના જ પક્ષ ઉપર તીખા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પક્ષ ઉપર ‘અવગણના' કરવાનો આરોપ મૂકતા હાર્દિક પટેલે ‘ઇન્‍ડીયન એક્‍સપ્રેસ'ને જણાવ્‍યું હતું કે, પક્ષમાં મારી સ્‍થિતિ એક નવવિવાહિત વરરાજા જેવી છે જેમની લગ્ન પછી તરત જ નસબંધી કરાવી દેવામાં આવી હોય. તેમણે ખોડલધામના અધ્‍યક્ષ અને પાવરફુલ પાટીદાર નેતા નરેશ પટેલ કે જેમને બધા પક્ષો પોતાની તરફ ખેંચવા પ્રયાસ કરી રહ્યા છે. તેમને કોલ કરવામાં ‘વિલંબ' ઉપર પણ સવાલ ઉઠાવ્‍યો હતો અને કહ્યું હતું કે, આ સમગ્ર સમુદાયનું અપમાન છે.
છેલ્લી ચૂંટણીઓ પહેલા ગુજરાત સરકાર સામે સફળ આંદોલનનુંનેતૃત્‍વ કરનાર અને ૨૦૨૦માં કાર્યકારી પ્રમુખ બનનાર યુવા પાટીદાર ચહેરાને રાહુલ ગાંધીના આગ્રહથી કોંગ્રેસમાં સામેલ થયા હતા. હાર્દિકે અગાઉ પાર્ટીમાં કોઈ મોટી ભૂમિકા ન આપવા બદલ  નિરાશા વ્‍યક્‍ત કરી હતી.
હાર્દિકે કોંગ્રેસને ચેતવણી આપી હતી કે પાટીદાર આંદોલનને કારણે પાર્ટીએ ૨૦૧૫ની સ્‍થાનિક સંસ્‍થા અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે ૨૦૧૭માં ૧૮૨ સભ્‍યોના ગૃહમાં ૭૭ બેઠકો જીતી હતી.
હાર્દિકે કહ્યું, ‘પણ એ પછી શું થયું?' ‘કોંગ્રેસમાં ઘણા લોકોને લાગે છે કે પાર્ટીએ હાર્દિકનો યોગ્‍ય ઉપયોગ કર્યો નથી.' તેમણે કહ્યું કે આવું એટલા માટે થઈ શકે છે કારણ કે લોકોને પાર્ટીમાં તેમનાથી ખતરો છે.
નરેશ પટેલ વિશે, હાર્દિકે કહ્યું, ‘હું ટીવી પર જોઈ રહ્યો છું કે કોંગ્રેસ ૨૦૨૨ની ચૂંટણી માટે નરેશ પટેલને સામેલ કરવા માંગે છે. હું આશા રાખું છું કે તેઓ ૨૦૨૭ની ચૂંટણી માટે નવા પટેલની શોધ નહિ કરે. શા માટે પાર્ટી તેની પાસે પહેલેથી જ છે, એવાનો ઉપયોગ કેમ નથી કરતી?
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે તેઓ હાર્દિક સાથે તેની ટિપ્‍પણી વિશે વાત કરશે.
‘કોંગ્રેસે પહેલા દિવસથી જ સ્‍પષ્ટ કરી દીધું છે કે નરેશ પટેલ હોય કે ગુજરાતમાં અન્‍ય કોઈ સારા નેતા હોય, તેમનું પાર્ટીમાં સ્‍વાગત છે. ગુજરાતમાં કોંગ્રેસના એક પણ નેતાએ નરેશ પટેલને આવકાર્યા ન હોય તેવું જાહેરમાં નિવેદન આપ્‍યું નથી. કોઈ વ્‍યક્‍તિ કે સમુદાયનું અપમાન કરવામાં આવ્‍યું નથી. નરેશ પટેલે પોતે કહ્યું છે કે જો તેમનો સમુદાય તેમને પરવાનગી આપશે તો તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે. તેઓ વિવિધ જૂથો સાથે પરામર્શ કરી રહ્યા છે અને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય સંપૂર્ણપણે તેમના પર છે. તો પછી કોંગ્રેસ તેમનું અને તેમના સમુદાયનું અપમાન કેવી રીતે કરી શકે?'

 

(10:37 am IST)