Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ગુજરાતમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અંતર્ગત નવા એમએસએમઈ સેક્ટર રોજગાર સર્જન મામલે દેશમાં છેક નવમા ક્રમે છે: કોરોનાકાળના વર્ષમાં નવા માંડ 2,854 એમએસએમઈ એકમોની સ્થાપના થઈ છે, જે પૈકી અંદાજિત 22,832 નવી રોજગારીની તકો ઉપલબ્ધ થઈ છે.

કેન્દ્રના વિભાગનું કહેવું છે કે, નાના એકમો માટે કાચા માલની ખરીદી, સામાન્ય સુવિધા કેન્દ્રો ઊભા કરવા, તાલીમ વગેરે મામલે સહાય પૂરી પાડવામાં આવે છે.

ગાંધીનગર : વાઈબ્રન્ટ ગુજરાત રોજગારી આપવા મામલે દેશમાં અવ્વલ છે તેવા દાવા સરકારના મંત્રીઓ દ્વારા કરવામાં આવે છે, અલબત્ત, કેન્દ્ર સરકારના સૂક્ષ્‍મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અંતર્ગત નવા એમએસએમઈ સેક્ટર રોજગાર સર્જન મામલે દેશમાં છેક નવમા ક્રમે છે, વર્ષ 2020-21ના કોરોનાકાળના વર્ષમાં નવા માંડ 2,854 એમએસએમઈ એકમોની સ્થાપના થઈ છે, જે પૈકી અંદાજિત 22,832 નવી રોજગારીની તકો ઉપલબ્ધ થઈ છે.

કેન્દ્ર સરકારના રિપોર્ટ પ્રમાણે નવા એમએસએમઈ એકમની સ્થાપના સાથે રોજગાર સર્જન મામલે ગુજરાત કરતાં જમ્મુ-કાશ્મીર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, ઓડિસા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુ આગળ છે. વર્ષ 2020-21માં ઉત્તરપ્રદેશમાં 9994 નવા એકમોની સાથે અંદાજિત 79,952 લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. એ પછી જમ્મુ કાશ્મીરમાં 68,800 લોકોને રોજગારી આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના પહેલાં એટલે કે વર્ષ 2019-20માં 3,983 નવા એમએસએમઈ એકમો સ્થપાયા હતા, જેમાં 31,864 લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી હતી, એ પછીના વર્ષ 2020-21માં 2,854 નવા એકમોની સાથે 22,832 લોકોને રોજગારી અપાઈ છે, અગાઉ વર્ષ 2018-19માં નવા 3500 એકમોની રચના સાથે અંદાજે 28,000 લોકોને રોજગારી આપવામાં આવી હતી. કેન્દ્રના વિભાગનું કહેવું છે કે, નાના એકમો માટે કાચા માલની ખરીદી, સામાન્ય સુવિધા કેન્દ્રો ઊભા કરવા, તાલીમ વગેરે મામલે સહાય પૂરી પાડવામાં આવે છે.

વર્ષ 2020-21માં નવા MSME એકમમાં રોજગાર સર્જન

રાજ્ય

અંદાજિત રોજગારી

ઉત્તર પ્રદેશ

79,952

જમ્મુ-કાશ્મીર

68,600

તામિલનાડુ

41,504

મધ્ય પ્રદેશ

38,832

કર્ણાટક

35,496

ઓડિશા

25,368

મહારાષ્ટ્ર

24,832

આસામ

23,512

ગુજરાત

22,832

 

(11:10 am IST)