Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

બનાસકાંઠામાં પાણીનો પ્રશ્‍ન ફરી સામે આવ્‍યો : પાલનપુર તાલુકાના તળાવ ભરવાની માંગ સાથે મહિલા ખેડૂતો દ્વારા રેલી : કલેકટરને આવેદન અપાયુ

મહિલા પશુપાલકો પાણીની માંગ સાથે રસ્તા પર ઉતરી છે.

અમદાવાદ : બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર પાણી માટે આંદોલન થયું છે.પાલનપુર તાલુકાના મલાણાના તળાવ ભરવાની માંગ સાથે આજે મહિલા પશુપાલકો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. પાલનપુર શહેરમાં આજે મહિલાઓ મોટી સંખ્યામાં જય જવાન જય કિસાન ના નારા સાથે પાણી માટે માંગ ઉગ્ર બનાવી કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે તળાવ ભરવાની માંગ કરી હતી.

ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજે પાલનપુર તાલુકાના પશુપાલકો તેમજ ખેડૂતોની પાણીની સમસ્યા મામલે રેલી યોજાઇ હતી. પાલનપુર થી ત્રણ કિલોમીટર દૂર ખેડૂતો એકઠા થયા. ત્યાંથી પદયાત્રા કરી પાણી આપો પાણી આપોની માંગ કરી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ખેડૂતોની માંગ છે કે છેલ્લા કેટલાય સમયથી સરકાર પાસે ખેડૂતો પાણી માટેની માંગ કરી રહ્યા છે. પરંતુ તે માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. અગાઉ ખેડૂતોએ પદયાત્રા કરી ટ્રેક્ટર રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ તે બાદ જે કાર્યવાહી થવી જોઈએ તે થઈ ન હતી. જેથી આજે મહિલા પશુપાલકો પાણીની માંગ સાથે રસ્તા પર ઉતરી છે.

મહિલાઓની એક જ માંગ છે કે પીવાનું તો ઠીક પરંતુ પશુપાલન કરવા માટે પણ હવે પાણી નથી. સરકાર ખેડૂતોની સમસ્યાને વાચા આપી પાણીની વ્યવસ્થા કરે. જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન થશે જેની જવાબદારી સરકારની રહેશે તેમ જણાવ્યું છે. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજે પશુપાલક મહિલાઓ તેમજ ખેડૂતોની આજે રેલી યોજાઈ હતી. અગાઉ પણ પાલનપુર તાલુકાના ખેડૂતો તળાવ ભરવાની માંગ સાથે આંદોલન કરી ચૂક્યા છે. આજે ફરી એકવાર ખેડૂતો શાંતિપૂર્વક રસ્તા પર ઉતર્યા છે. ત્યારે જો હજુ પણ આ માંગ નહીં સ્વીકારાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન થશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી છે.

(10:54 pm IST)