Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

અમદાવાદ મહાનગરપાલિકાની આર્થિક સ્‍થિતિની સાચી માહિતી જનતાને મળી રહે તે માટે આર્થિક બાબતને લઇને શ્‍વેત પત્ર જાહેર કરવા વિપક્ષ દ્વારા માંગણી

સરકારી શાળાના શિક્ષકોને પગાર ચૂકવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે.

અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અવાર-નવાર એવું કહેવામાં આવે છે કે, મનપાની તિજોરી તળીયે ચાલી ગઈ છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતિની સાચી માહિતી શહેરીજનોને મળી રહે અને આર્થિક પરિસ્થિતિને લઈને એક શ્વેત પત્ર જાહેર કરવામાં આવે તેવી માગણી વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા શહેઝાદ ખાન દ્વારા આ માગણી કરવામાં આવી છે.

મહત્ત્વની વાત છે કે, અમદાવાદ મહાનગરપાલિકામાં ગત નાણાકીય વર્ષના અંતમાં પણ કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચૂકવાયા ન હતા અને નાણાકીય વર્ષના અંતમાં 400 કરોડ કરતાં વધારેના બિલ રદ કરવાની ફરજ પડી હતી. તો બીજી તરફ મહાનગરપાલિકાને પોતાના જ કર્મચારીના પગાર અને કર્મચારીઓના પેન્શનની ચુકવણી કરવામાં મોડું થયું હતું તો બીજી તરફ મનપા દ્વારા જે સરકારી શાળાઓનું સંચાલન કરવામાં આવે છે તે સરકારી શાળાના શિક્ષકોને પગાર ચૂકવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓને વેતન મોડું ચૂકવવામાં આવે છે અથવા તો કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ સમયસર ચૂકવાતા નથી. તે પરિસ્થિતિ જ કહી જાય છે કે, અમદાવાદ મહાનગરપાલિકાની તિજોરી ખાલી થઈ છે. મહાનગરપાલિકાની તિજોરી ખાલી થઈ હોવાના કારણે અમદાવાદ મનપાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા માંગણી કરવામાં આવી છે કે, મનપાની સાચી પરિસ્થિતિની બાબતે જનતા વાકેફ થાય અને ખરેખર આર્થિક પરિસ્થિતિ નબળી છે તેવું જનતાની સામે આવે તે માટે વાસ્તવિક ચિત્ર રજૂ કરવા માટે મનપાએ શ્વેતપત્ર જાહેર કરવો જોઈએ.

સહેઝાદ ખાન પઠાણનું કહેવું છે કે, અમદાવાદ મહાનગરપાલિકા પાસે કોઈ પણ પ્રકારની ફિક્સ ડિપોઝીટ ન રહી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ મનપાને રાજ્ય સરકાર તરફથી દર મહિને ઓકટ્રોયની 87 કરોડની ગ્રાંટ આપવામાં આવે છે. તો બીજી તરફ દર મહિનાનો અમદાવાદ મહાનગરપાલિકાનો એડમીન એસ્ટાબ્લિશમેન્ટનો ખર્ચ 129 કરોડ રૂપિયા થાય છે એટલે કે ગ્રાન્ટની સામે 40 કરોડ રૂપિયા ઓછાં મળી રહ્યા છે. એટલા માટે જ અમદાવાદ મનપાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે શ્વેતપત્ર જાહેર કરવામાં આવે અને પ્રજા સામે આર્થિક પરિસ્થિતિનો ચિતાર રજૂ કરવામાં આવે.

(10:52 pm IST)