Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

કોંગ્રેસ ઓફિસે હોબાળો થતાં પોલીસ બોલાવવા માટે ફરજ

કોંગ્રેસના ગઢમાં આવી ભાજપના માણસોનો હોબાળો : ભાજપના કાર્યકરો દ્વારા મોદીને કોંગ્રેસે કહેલા અપમાનિત ટિપ્પણીના પોસ્ટરો, પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ-સૂત્રોચ્ચાર

અમદાવાદ, તા.૧૩ : કોંગ્રેસની આજની પત્રકાર પરિષદ દરમ્યાન પાલડી સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોએ આવીને જોરદાર હોબાળો મચાવ્યો હતો અને આખરે કોંગ્રેસને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં થોડા સમય માટે વાતાવરણ તંગ બની ગયું હતું. ભાજપના કાર્યકરો હાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચ, ઘાંચી સહિતના વિવાદીત વિશેષણોથી કોંગ્રેસના નેતાઓ દ્વારા અપમાનિત કરાયા તેના વિધાનોના પોસ્ટર અને બેનરો સાથે કોંગ્રેસની પ્રદેશ કચેરી ખાતે આજે બપોરે ૧૨-૦૦ વાગ્યાની આસપાસ આવી પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરોમાં મોદીજીને કોંગ્રેસ દ્વારા કહેવાયેલા આવા નામોના પ્લેકાર્ડ અને હાથમાં ગુલાબ પણ હતા. તમામ કાર્યકરો જોરજોરથી વંદ માતરમ્, ભારત માતા કી જય સહિતના સૂત્રો અને  નારા લગાવવામાં માંડયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. ખુદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કચેરી ખાતે આવી ભાજપવાળા આવી રીતે ખુલ્લેઆમ હોબાળો મચાવી જાય તેવી દાદાગીરી જોઇ કોંગ્રેસના નેતાઓ પણ ચોંકી ગયા હતા. કોંગ્રેસના નેતાઓને આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આવીને સમગ્ર મામલો થાળે પાડયો હતો. જો કે, ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસની કચેરીએ હોબાળો મચાવવાની ઘટનાથી ચૂંટણીના એક દિવસ પહેલાં રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો. દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જનુ મોઢવાડિયાએ ભાજપના કાર્યકરોના હોબાળાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી અને જણાવ્યું હતું કે, ભાજપના માણસોની આવી હલકા સ્તરની રાજનીતિ એ સ્પષ્ટ રીતે ચૂંટણી આચારસંહિતાનો ભંગ છે. કોંગ્રેસની પરંપરાનો પણ આ ભંગ છે. આ ભાજપ દ્વારા મોકલાયેલું ટોળું છે.

ભાજપે આટલી હદે નીચલા સ્તરની રાજનીતિ કરવી જોઇએ નહી. નકલી સહાનુભૂતિ મેળવવાનો ભાજપનો આ પ્રયાસ વખોડવાલાયક અને નિંદનીય છે. ગુજરાતની જનતાના મૂળ મુદ્દાઓ પરથી છટકવા માટે ભાજપ આવી હલકી રાજનીતિ કરી રહી છે. ચૂંટણીનું વાતાવરણ ડહોળવાનો ભાજપનો આ પ્રયાસ છે.

(8:30 pm IST)