Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

મહેસાણા એનસીપીના ૫૦૦ આગેવાનો-કાર્યકરો કોંગ્રેસમાં

બીજા તબક્કાના મતદાન પહેલા નિર્ણય થયો : મતદાનના આગલા દિવસે મહત્વના ઘટનાક્રમથી કોંગ્રેસનુ બળ વધ્યું, મતદાનમાં ફાયદો થવા માટેની પુરી સંભાવના

અમદાવાદ, તા.૧૩ : આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાવા જઇ રહ્યું છે ત્યારે છેલ્લી ઘડીના એક મહત્વના ઘટનાક્રમમાં મહેસાણા એનસીપીના ૫૦૦થી વધુ આગેવાનો-કાર્યકરો આજે વિધિવત્ રીતે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા અને મહેસાણા જિલ્લા પ્રભારી ડો.હિમાંશુ પટેલ અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતના પ્રમુખ કિર્તીસિંહ ઝાલાના નેતૃત્વમાં એનસીપીના આગેવાનો-કાર્યકરોએ કોંગ્રેસપક્ષનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. કોંગ્રેસના નેતાઓ અને અગ્રણીઓ દ્વારા એનસીપીના કાર્યકરો-આગેવાનોને ઉમળકાભેર આવકાર અપાયો હતો. મતદાનના આગલા દિવસે જ આ મહત્વના ઘટનાક્રમથી કોંગ્રેસનું નૈતિક બળ વધ્યું છે અને તેના કારણે મતદાનમાં પણ ફાયદો થવાની શકયતાઓ વર્તાઇ રહી છે. એનસીપીના કાર્યકરોને કોંગ્રેસમાં સામેલ કરીને તેમને આવકારતાં કોંગ્રેસના પ્રવકતા ડો.હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, એનસીપી, મહેસાણાના ૫૦૦થી વધુ સક્રિય આગેવાનો અને કાર્યકરો આજે વિધિવત્ રીતે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓનું કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓને પક્ષમાં મીઠો આવકાર અપાયો છે. એનસીપીના આગેવાનો-કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસનું સંગઠન અને બળ વધુ મજબૂત બનશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજયમાં હાલ બેરોજગારી એ સૌથી મોટી સમસ્યા બની છે, મોંઘુ શિક્ષણ અને આરોગ્ય સેવાની સ્થિતિ પણ આવી જ કંઇક છે. ખેડૂતો-ખેતમજૂરો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે. ભાજપે છેલ્લા ૨૨ વર્ષોમાં ગુજરાતની જનતા માટે કોઇ નક્કર કાર્યો કે લોકકલ્યાણના કામો કર્યા જ નથી અને તેથી આ વખતે નવસર્જન ગુજરાતના નારા સાથે રાજયના ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગના ન્યાય અને ખુશહાલી માટે કોંગ્રેસ પક્ષ સત્તામાં આવે છે.

(7:47 pm IST)