Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ખેડાના મહીજ ગામે દૂધ ભરવા લાઈનમાં ઉભા રહેવા બાબતે બે કોમ વચ્ચે હાથાપાઈમાં ચારને ઇજા

ખેડા:તાલુકાના મહીજ ગામે દૂધ મંડળીમાં દૂધ ભરવા લાઈન ઉભા રહેવા બાબતે રબારી અને ઠાકોર વચ્ચે ઝઘડો થયો હતોે. આ બનાવ અંગે બંને પક્ષોની ફરિયાદ આધારે ખેડા પોલીસે ૧૫ ઈસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના મહીજ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી આવેલ છે. ગઈકાલે સવારે દશરથભાઈ હેમરાજભાઈ રબારી દૂધ મંડળીમાં દૂધ ભરવા ગયો હતો. ત્યારે દૂધની લાઈનમાં ઉભા રહેવાને બદલે છોકરો આગળ ઉભો થઈ ગયો હતો. જેને લઈ દશરથભાઈ રબારી અને ખેમાજી ઠાકોર વચ્ચે ગાળો બોલી લાકડી મારી ખેમાજી ઠાકોર અને કેશાજી ઠાકોરને ઈજા કરી હતી. આ બનાવ અંગે ખોડાજી ગલાજી ઠાકોર (સેક્રટરી)ની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે દશરથભાઈ હેમરાજભાઈ રબારી, નારણભાઈ રાયમલભાઈ, લીલાભાઈ હેમરાજભાઈ, ભરતભાઈ માલજીભાઈ, ઈશ્વરભાઈ નારણભાઈ, રાજેશભાઈ ઘેલાભાઈ, શિવમ મનુભાઈ તથા વિક્રમ ઓધરભાઈ રબારી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે સામા પક્ષે રાજેશભાઈ ઘેલાભાઈ રબારીએ ફરિયાદ નોંધાવી છે જેમાં દશરથભાઈ રબારી ગઈકાલે સવારે દૂધ મંડળીમાં દૂધ ભરવા ગયો હતો. ત્યારે એક ઠાકોરનો છોકરો લાઈન તોડી આગળ જઈને ઉભો હતો. આ અદાવત રાખી ઠાકોર લોકોએ એક સંપ કરી ગમે તેમ ગાળો બોલી રાયમલભાઈ રબારી તથા લીલાભાઈ હેમરાજ રબારીને ધારીયું મારી તેમજ છુટા પથ્થરો માર્યા હતા. જે અંગે રાજેશભાઈ ઘેલાભાઈ રબારીની ફરિયાદ આધારે ઉદેસિંહ પુનમભાઈ ઠાકોર, સંજયભાઈ સોમાભાઈ, રણજીતભાઈ સુરસંગભાઈ, પુનાજી કેશાજી, અશોકભાઈ ખોડાભાઈ, છોટાભાઈ મેલાભાઈ તથા ઉમાભાઈ ભીખાભાઈ ઠાકોર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:36 pm IST)