Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ: એક સાથે ત્રણ મકાનમાંથી 25 તોલા દાગીનાની ચોરી થઇ જતા ચકચાર

અમદાવાદ: ગોતા વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરોઅે ત્રાટકી બે મકાનમાંથી ૨૫ તોલા સોનાના દાગીના અને ૫૦૦ ગ્રામ ચાંદી સહિતની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના બની છે. જ્યારે એક મકાનમાં ચોરી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. સોલા પોલીસે અા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ શિયાળાની ઠંડી દિવસે ને દિવસે વધી રહી છે. જેમાં તસ્કરો પણ લાભ ઉઠાવી રહ્યા છે. શહેરના ગોતા વિસ્તારમાં અાવેલી ગોકુલ હોટલ પાસેના હાર્મની હોમ્સ ૩માં મંગળવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોઅે મકાન નંબર ૧૧માં ત્રાટકી અને રહેતા સતીશભાઈ મનુભાઈ પટેલના ઘરમાં ઘૂસી ચાંદીની પાંચ મૂર્તિઅો, ચાંદીનું છત્ર, ત્રણ મોબાઈલ ફોન તથા તેલનો ડબો લઈ ૨૩ હજારની મતાની ચોરી કરી હતી.

તસ્કરોઅે મકાન નં. ૪માં પણ તાળું તોડી અંદર પ્રવેશ કરી ૨૫ તોલાના સોનાના દાગીના અને ૫૦૦ ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જ્યારે ૧૯ નંબરના મકાનમાં પણ તસ્કરોઅે પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. અવાજ થતાં સોસાયટીના લોકો અને સિક્યોરિટી ગાર્ડ ભેગા થઈ ગયા હતા. લોકો જાગી જતાં તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઘટના અંગે સોલા પોલીસને જાણ કરાતા સોલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

ચોક્કસ ગેંગ દ્વારા સોલા વિસ્તારમાં અા રીતે ઠંડીનો લાભ ઉઠાવી અને ચોરીના બનાવો વધી રહ્યા છે. સોલા પોલીસે અા અંગે ગુનો નોંધી અાસપાસના સીસીટીવી ફૂટેજના અાધારે ગેંગની શોધખોળ શરૂ કરી છે.

(5:35 pm IST)