Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

વાંસદા તાલુકાના કાવડેજમાં ટ્રેક્ટરની હડફેટે બાઈક સવાર ત્રણ પૈકી બેના કમકમાટી ભર્યા મોત

વાંસદા:તાલુકાનાં લીમઝર ગામે કાવડેજથી વાંસકુઈ ગામે જતા ત્રણ યુવાનોની બાઈકને ટ્રેક્ટરે અડફટે લેતા એક યુવાનનું ઘટના સ્થળે બીજા યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

માહિતી મુજબ વાંસદા તાલુકાના કાવડેજ ગામે પીલાળ ફળિયામાં રહેતા સુનીલ ભગુભાઈ મહાકાળ (ઉ.વ.૨૨) અને મહેશ પોસ્લુભાઈ માહલા હોન્ડા સાઈન બાઈક (નંબર- જીજે- ૩૦- ડી- ૦૭૦૧) લઈ તેને ત્યાં દેવ પૂજામાં આવેલ તેના મિત્ર ઘનશ્યામ નાનુભાઈ ચવધરી (રહે. વાંસકુઈ, તા. વાંસદા)ને તેના ઘરે મુકવા જઈ રહ્યા હતા.

તે દરમ્યાન તેઓ લીમઝર-ઉમરકુઈ રોડ પર લીમઝર નામની હદમાં લુહારની વાડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન સામેથી આવતા ટ્રેક્ટર (નંબર- જીએએ- ૭૧૬૪- ટ્રેલર નંબર- જીજે- ૧૬- યુ- ૧૬૫૧) ના ચાલકે તેમના અડફટે લેતા બાઈક સવાર ત્રણે યુવાનો રોડ પર ફંગોળાઈ ગયા હતા અને તેઓને ગંભીર ઈજા થઈ હતી. જેમાં સુનીલ મહાકાળનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

અને બીજા બે યુવાનોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે વાંસદા લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ ઘયા હતા. જ્યાં મહેશ માહલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. કાવડેજ ગામનાં બે યુવાનોના મોત નીપજતા ગમગીની છવાઈ જવા પામી હતી. આ બનાવ અંગે વાંસદાના સેકન્ડ પી.એસ.આઈ। વસાવાએ તપાસ હાથ ધરી હતી.

(5:35 pm IST)