Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપનાને ર૧૬ વર્ષ થયા,સુરત ગુરૂકુળમાં મંત્રને ૧,૭પ,૦૦૦ કલાક પૂર્ણ

સ્વામિનારાયણ સંપ્રદાયના શુભારંભને ર૧૬ વર્ષ પૂર્ણ થતા સુ઼રત વેડ રોડ ગુરૂકુળમાં સંતો અને હરિભકતોએ ભકિતમય કાર્યક્રમ યોજેલ તે પ્રસંગની તસ્વીર.

સુરત તા. ૧૩: વિશ્વના ફલક પર વિસ્તરેલા સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ આજથી ર૧૬ વર્ષ પહેલા સંવત ૧૮પ૮ના માગશર વદ-૧૧ એકાદશીના દિવસે થયો. આજે કરોડો અનુયાયી ભકતોને નિત્ય ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભકિતનું પોષણ ૪૦૦૦ ચાર હજાર ઉપરાંત સંતો તથા પાર્ષદો સત્સંગ કથાવાર્તા દ્વારા કરી રહ્યા છે.

પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર સંપ્રદાયમાં દેશ વિદેશના ૧પ૦ ઉપરાંત મોટા શિખરબધ્ધ મંદિરો તથા ગામડા તેમજ શહેરોમાં સંપ્રદાયના બધા ફીરકાઓ દ્વારા નાના હરિમંદિરો ૩પ૦૦ ઉપરાંત છે. જયારે ૧૬૦ ગુરુકુલોમાં એક લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ વિદ્યા સાથે સંસ્કારો મેળવી રહ્યા છે.

સંપ્રદાયના ઉદ્દગમ દિવસને અનુલક્ષી સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં અખંડ ધૂન ચાલી રહી છે. અખંડ ભગવદ્દ પરાયણ પૂજયપાદ શ્રી જોગી સ્વામીએ આ ધૂન સવંત ર૦પ૪ના માગશર વદ-૧૧ના દિવસે શરૂ કરાવેલી જેને આજે ર૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.

પાંચ હજાર ઉપરાંત મહિલા પુરૂષો તેમજ સંતો દ્વારા દિવસ રાત 'સ્વામિનારાયણ' મંત્રનું સંકીર્તન થઇ રહ્યું છે જેને ૧,૭પ,૦૦૦ કલાક પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળમાં પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીની નિશ્રામાં ભગવત પૂજન યજ્ઞ, પુરૂષોત્તમ પ્રકાશના પાઠ, ઠાકોરજીની પાલખી યાત્રા, ધૂન મંદિરમાં પ્રુભનો અભિષેક, ધૂન મંદિરનું વિશિષ્ટ પૂજન તેમજ સત્સંગ-સહજાનંદી સભાનું આયોજન કરાવમાં આવેલ છે.

(3:45 pm IST)