Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

વડોદરામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ

ભાજપના મનીષાબેન વકીલ સામે કોંગ્રેસે ઉતાર્યા અનિલભાઈ પરમારને... ૧૯૯૦થી આ બેઠક પર ભાજપનું પ્રભુત્વ

 વિધાનસભા ચૂંટણી ૨૦૧૭ના બીજા તબક્કાના મતદાનમાં આવનાર વડોદરા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે મનીષાબેન વકીલને ઉતાર્યા છે. તો સામે કોંગ્રેસે અનિલભાઈ પરમારને મેદાને મૂકયા છે. ભૂતકાળને ધ્યાન પર ના લઈએ તો ૧૯૯૦થી આ બેઠક પર ભાજપનો દબદબો જણાય છે.

આ બેઠક ઉપર પક્ષ... ઉમેદવાર... અને હાર જીતના ભૂતકાળના સમીકરણોની એક ઝલક જોઈએ તો ૧૯૬૨ના વર્ષમાં બે ભાગ હતા. ખરા અર્થમાં ૧૯૬૭ થી આ બેઠક અમલમાં આવી.

૧૯૬૭માં સ્વતંત્રતા પક્ષના ઉમેદવાર સી. કે. પરીખે કોંગ્રેસના ઉમેદવારને ૮,૦૦૦થી વધુ મતોથી હરાવ્યા તો ૧૯૭૨માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત પરીખે જનસંઘના ઉમેદવાર શંકરભાઈ પટેલને હરાવ્યા, તો ૧૯૭૫માં જનસંઘના ઉમેદવાર મકરંદભાઈ દેસાઈએ કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા. ૧૯૮૦ની પેટા ચૂંટણીમાં ભાજપનો ચમકારો જોવા મળ્યો. દેસાઈ ભાઈએ કોંગ્રેસના ઉમેદવારને ૮૮૦૦ જેટલા જંગી મતોથી હરાવ્યા.

પરંતુ ૧૯૮૦માં ભાજપના ઉમેદવાર મકરંદભાઈ સામે કોંગ્રેસે રાજવી પરિવારના રણજીતસિંહ ગાયકવાડને મેદાનમાં ઉતાર્યા ભારે કસ્મકસ થઈ પરંતુ રણજીતસિંહ જીતી ગયા. ત્યારબાદ ૧૯૮૫માં કોંગ્રેસે ભીખાભાઈને મેદાનમાં ઉતાર્યા તેમણે ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર સુખડીયાને ૨૨,૦૦૦ જેટલા જંગી મતોથી હરાવ્યા.

બસ ત્યારબાદ આ બેઠક પર કોંગ્રેસ આવી શકી નથી. ૧૯૯૦માં ભાજપે નલીનભાઈ ભટ્ટને ઉતાર્યા તેમણે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈને ૪,૨૫૦ જેટલા મતોથી હરાવી ભાજપને રીએન્ટ્રી અપાવી. ૧૯૯૫માં ભાજપે ભુપેન્દ્રભાઈ લાખાવાલાને મૂકયા તેમણે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવને ૨૬,૦૦૦ જેટલા જંગી મતોથી હરાવ્યા.

જાણે આ બેઠક ભુપેન્દ્રભાઈને ફાવી ગઈ હોય તેમ જીતનો દોર આગળ ધપાવ્યો. ૧૯૯૮માં ભુપેન્દ્રભાઈએ કોંગ્રેસના ઉમેદવાર શૈલેષભાઈ મહેતાને ૨૦,૦૦૦ જેટલા મતોથી હરાવ્યા. ૨૦૦૨ના વર્ષમાં ફરી ભુપેન્દ્રભાઈએ કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવને ૪૬,૦૦૦ જેટલા જંગી મતોથી હરાવી ઈતિહાસ સર્જયો...!

ભુપેન્દ્રભાઈએ જીતની આ સફર સતત આગળ ધપાવી... ૨૦૦૭ના વર્ષમાં તેમણે ફરી કોંગ્રેસના ઉમેદવાર ડો. રાજેન્દ્રભાઈ રાઠોડને ૨૯,૦૦૦ જેટલા મતોથી હરાવી પોતાનો દબદબો જાળવી રાખ્યો.

૨૦૧૨ના વર્ષમાં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે મનીષાબેન વકીલે એન્ટ્રી મારી અને તેમણે પણ કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન સોલંકીને ૫૨,૦૦૦ જેટલા જંગી મતોથી હરાવી આ બેઠક ભાજપને જ અપાવી.

હવે આ વેળાએ એટલે કે ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનીષાબેન વકીલ કોંગ્રેસના ઉમેદવાર અનિલભાઈ પરમારને લડત આપી રહ્યા છે. આ ઉપરાંત બસપાના દેવ્યાનીબેન પરમાર, આપમાંથી ડો. ઠાકોર પરમાર તથા અન્ય ૩ ઉમેદવારો પણ મેદાનમાં આવ્યા છે.

આ સ્થિતિમાં મતદારો ફરી આ વેળાએ પણ ભાજપની સાથે જ રહેશે... કે પરિવર્તનના પવન તરફ વળશે..?

વડોદરા શહેરનો રોચક ઈતિહાસ

ઈ.સ.૧૮૦૨ થી વડોદરા સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક... : વડોદરાના વિકાસમાં મહારાજા સયાજીરાવનો અનેરો ફાળો

હાલની ગુજરાત વિધાનસભાની ૧૪૧ નંબરની બેઠક એટલે વડોદરા. રાજયભરમાં વડોદરાનું વિશેષ સ્થાન રહ્યુ છે. રાજવી વિરાસતનું આ શહેર સંસ્કારી નગરી તરીકે સુપ્રસિદ્ધ બન્યુ છે. વડોદરા શહેરના જાજરમાન ને ભવ્ય ભુતકાળની એક ઝાંખી કરીએ તો...

આમ તો વડોદરાનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ઈ.સ. ૧૮૧૨માં વટપ્રદ નામે થયેલો  તો. ઈ.સ. ૧૭૨૧માં પિલાજી ગાયકવાડ મુગલસામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી મરાઠી શાસન હેઠળ લાવ્યા. મરાઠી પેસવાએ ગાયકવાડને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક્ક આપ્યો.

જો કે ઈ.સ. ૧૭૬૧માં મરાઠી સામ્રાજ્યના પૈશ્વાનો અફઘાનો સામે પાણીપતના યુદ્ધમાં પરાજય પછી વડોદરાનું શાસન ગાયકવાડોના હસ્તે આવ્યુ. ઈ.સ. ૧૮૦૨માં બ્રિટીશરો સાથે સંઘી પછી વડોદરા, બ્રિટીશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યુ.

વડોદરાના રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડી રાજયના સુપ્રસિદ્ધ શાસક મહારાજા ગાયકવાડ ત્રીજાને ફાળે જાય છે. સયાજીરાવ ગાયકવાડે ઈ.સ.૧૮૭૫માં ગાદી સંભાળી તેમણે વડોદરાનો શૈક્ષણિક વિકાસ, ફરજીયાત પ્રાથમિક શિક્ષણ તથા ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીની સ્થાપના જેવા કાર્યોની સાથે સાથે ઉદ્યોગોનો પણ વિકાસ કર્યો.

ભારતના સ્વતંત્રીય પછી તે સમયના વડોદરાના મહારાજા એ ભારતગણ રાજયમાં સામેલ થવાનો નિર્ણય કર્યો અને વડોદરા સ્વતંત્ર ભારતના મુંબઇ રાજય હેઠળ આવ્યુ. ઈ.સ.૧૯૬૦માં મેની પહેલી તારીખે ગુજરાત રાજયની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યુ જે હાલ રાજયની વિધાનસભાની ૧૪૧ નંબરની બેઠક બની છે.

કહેવાય છે કે વડોદરાનંુ નામ સંસ્કૃત ''વટસ્ય ઉદરે'' ઉપરથી ઉતરી આવ્યુ હોવાનું મનાય છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વટવૃક્ષના ઝાડ હોવાથી વડ હેઠળ વિકસેલુ શહેર ''વટસ્ટ ઉદરે'' સમયાંતરે અપભ્રંશ થતા થતા વડોદરા થઈ ગયુ. અંગ્રેજીમાં ઘણા લોકો તેને બરોડા પણ કહીને બોલાવે છે.

વડોદરા-૧૪૧ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનિલભાઈ પરમારનો પરિચય

૪૭ વર્ષીય અનિલભાઈ બાંધકામ વ્યવસાય સાથે પણ સંકળાયેલ છે

 વડોદરા - ૧૪૧ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ વેળાએ અનિલભાઇ પરમારે ઝંપલાવ્યુ છે.

મુળ વડોદરાના જ વતની એવા અનિલભાઈએ બી. કોમ. સુધી અભ્યાસ કરી વ્યવસાયમાં જોડાયા. લોકોના કામો કરવાનો પહેલેથી જ અભિગમ. કોંગ્રેસ સાથે સંકળાયેલ અનિલભાઈ ૨૦૧૫ના વર્ષમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા. કોંગ્રેસ પક્ષે તેમની કાર્યશૈલી જોઈને આ વેળાની વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ આપી ધારાસભ્યની લડત માટે મેદાનમાં ઉતાર્યા છે.

આમ તો અનિલભાઈ પ્રસિદ્ધિમાં ઓછુ માને છે અને કાર્યો કરવામાં વધુ માને છે. હાલ તેઓ બાંધકામ વ્યવસાય સાથે પણ સંકળાયેલ છે. આ વિસ્તારના મતદાન આડે હવે માત્ર ૪૮ કલાક જ બાકી રહ્યા છે ત્યારે અનિલભાઈ આ બેઠક કોંગ્રેસને અપાવવા પ્રચાર કાર્ય અર્થે સતત વ્યસ્ત છે.(૩૭.૭)

વિશ્વામિત્રી નદીના બે કાંઠે વસેલુ આ શહેર વસ્તીની દૃષ્ટિએ રાજયમાં ત્રીજો ક્રમ ધરાવે છે. રીફાઈનરી અને આઈ.ઓ.સી.ની સ્થાપના એ આ શહેરને ચાર ચાંદ લગાવ્યા. આ ઔદ્યોગિકરણથી રાજયભરના અન્ય ઉદ્યોગો આકર્ષાયા છે.

વડોદરા-૧૪૧ બેઠકના ભાજપના ઉમેદવાર મનીષાબેન વકીલનો પરિચય

૪૨ વર્ષીય મનીષાબેન બીજી વખત જીતવા આતુર

શ્રીમતી મનીષાબેન રાજીવભાઈ વકીલ આ વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર જંગી મતોથી જીતવા આતુર બન્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનીષાબેનના પરિચયની એક ઝલક જોઈએ તો...

૨૫મી માર્ચ ૧૯૭૫ના રોજ મનીષાબેનનો જન્મ... એમ. એ., બી. એઙની ડિગ્રી મેળવી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયા. સામાજીક કાર્યોના સથવારે થઈ રાજકીય આલમમાં એન્ટ્રી...

૨૦૧૨ના વર્ષમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી પ્રથમ વખત ઝંપલાવ્યુ. પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન સોલંકીને ૫૨ હજાર જેટલા મતોથી હરાવ્યા અને વિધાનસભામાં જોરદાર એન્ટ્રી મારી.

એટલુ જ નહિં ૫ વર્ષના આ શાસનગાળા દરમિયાન લોકાપયોગી અને વિકાસના કાર્યોને સથવારે લોકપ્રિયતામાં વધારો જ થતો ગયો અને હવે આ ચૂંટણીમાં ફરી ઝંપલાવ્યુ છે.

(3:26 pm IST)