Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ગુજરાતના પોલીસ તંત્ર માટે ચૂંટણી પરિણામના દિવસે જ ૧૮મીએ જાહેર થનારા રેગ્યુલર ડીજીપીના પરિણામ માટે પણ ભારે ઉત્કંઠા

ઈન્ચાર્જ ડીજીપીના માર્ગદર્શનમાં ગુજરાતની ચૂંટણી થવાની ઐતિહાસિક બીનાના 'અકિલા'ના અહેવાલને સમર્થનઃ પોલીસ તંત્ર માટે એક નહિ બે પરિણામની ચાતક નજરે વાટ જુએ છે

રાજકોટ, તા. ૧૩ :. ગુજરાતમાં લાંબા સમય થયા ઇન્ચાર્જ ડીજીપી નિમવાની ચાલતી આવતી પ્રથા અને રાજય સરકારની નીતી-રીતી સામે હાઇકોર્ટમાં પીઆઇએલએ રીટ પીટીશનમાં હાઈકોર્ટ દ્વારા વધુ એક મુદત પાડી ૧૮મી ડીસેમ્બરે સુનાવણી મુકરર કરી છે. આ જ દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ આવનાર છે. બીજુ ગુજરાતના ઈતહાસમાં સૌ પ્રથમ વખત ચૂંટણી ઈન્ચાર્જ ડીજીપીના સુપરવિઝમા થાય તેવી ઐતિહાસિક બીના બનશે તેવા અકિલાના અહેવાલને પણ આથી સમર્થન સાંપડયું છે.

અત્રે યાદ રહે કે, ચુંટણી પંચને પણ પક્ષકાર બનાવાયા હોવાથી ચુંટણી પંચે હાઇકોર્ટમાં  પોતાનો જવાબ એફીડેવીડ દ્વારા રજુ કરી એવુ વલણ દાખવ્યુ છે કે કાયમી ડીજીપીની નિમણૂકનું કાર્ય નવી સરકારનું છે.

આનો સીધો અર્થ એવો થાય કે પ્રથમ તબક્કાના મતદાન માફક હવે બીજા તબક્કાના મતદાનના પરિણામ  સુધી રેગ્યુલર ડીજીપીનો મામલો અધ્ધરતાલ રહેશે. આનુ કારણ એ છે કે, હાઈકોર્ટ દ્વારા જે નવી મુદત આપવામાં આવી છે તે ૧૮મી ડીસેમ્બરની છે.

આનો સીધો અર્થ એ થાય કે, પ્રથમ તબક્કાનું મતદાન તો રેગ્યુલર ડીજીપીના બદલે ઈન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમારના માર્ગદર્શનમાં થયું. હવે બીજા તબક્કાનું મતદાન પણ ઈન્ચાર્જ ડીજીપીના માર્ગદર્શનમાં થશે.  

પુર્વ આઇપીએસ અધિકારી રાહુલ શર્માએ લાંબા સમય થયા હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી છે એ પીટીશનમાં તેઓએ સુપ્રિમ કોર્ટના ડાયરેકશન, બોમ્બે પ્રોવીઝનલ એકટ તથા ચુંટણી સમયે તમામ જવાબદાર અધિકારીઓ જેમાં ડીજીપીનો સમાવેશ છે તે રેગ્યુલર રાખવાનો નિયમ છે તે મુજબ અમલ કરવા માંગ કરી છે.

પુર્વ આઇપીએસ રાહુલ શર્માએ પોતાની રીટ પીટીશનમાં ગુજરાત સરકાર પર આક્ષેપ કરતા એવું પણ જણાવ્યું છે કે ગુજરાતમાં ડીજીપી જેવા મહત્વના અને સર્વોચ્ચ સ્થાન પર લાંબા સમયથી ઇન્ચાર્જ નીમવાની જે પ્રથા છે તેની પાછળ સરકારનો ઇરાદો પોલીસ તંત્રને પોતાના હાથ નીચે રાખવાનો છે.  આ બાબત ખુબ જ ગંભીર છે.

(3:25 pm IST)