Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

રાધનપુરમાં જીતવું અલ્પેશ માટે સહેલું નથી

અલ્પેશ V/S લવિંગજી ઠાકોર

નવી દિલ્હી તા. ૧૩ : પાટણના સાંતલપુર તાલુકાનું સૌથી છેલ્લું ગામ એટલે એવળ ગામ. ત્યારપથી પાકિસ્તાાનની હદ શરુ થાય છે. રાધનપુર મતક્ષેત્રમાં આવેલ એવળના ૨૦૦ મતદારો છે. ઉલ્લેખનીય છે કે રાધનપુર બેઠક પર કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોર અને ભાજપ તરફથી લવિંગજી ઠાકોર ચૂંટણી લડવાના છે.

ગામમાં પ્રવેશતા જ તમને ઘણાં ઐતિહાસિક પાળિયા જોવા મળશે. આ વિસ્તારના અન્ય ગામડાઓની જેમ એવળમાં પણ લોકોને પાણીની તકલીફ છે. જોકે જખોતરાની કેનાલ ગામથી ૮ કિલોમીટર જ દૂર છે. એવળનું પ્રતિનિધિત્વ કરતા રત્ન આલા(ઉં.વ.- ૩૦) જણાવે છે કે, પીવાના પાણીની પાઈપલાઈન તો છે પરંતુ તેમાં પાણી અનિયમિત આવતુ હોય છે. સિંચાઈનું પાણી પણ અનિયમિત આવતુ હોવાને કારણે મોટાભાગે ખેતી માટે વરસાદ પર આધાર રાખવો પડે છે. વરસાદ ના હોય ત્યારે ગામના લોકો સૌરાષ્ટ્ર મજૂરી કરવા જાય છે. સૌથી નજીકમાં સ્વાસ્થ્ય કેન્દ્ર પણ ૧૬ કિલોમીટર દૂર છે.

આગળ તે જણાવે છે કે, અમને સરકાર તરફથી માત્ર મોટી મોટી વાતો અને વચનો જ મળે છે. ભ્રષ્ટાચાર એટલો બધો છે કે અહીં સુધી કંઈ પહોંચતુ જ નથી. ગામમાં ૮૦ શૌચાલય બાંધવામાં આવ્યા છે પરંતુ તે વપરાય તેવી સ્થિતિમાં નથી. કોંગ્રેસ ઉમેદવાર અલ્પેશ ઠાકોરે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, અહીંના લોકો પીવાના પાણી, સ્વાસ્થ્ય સેવાઓ અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓ માટે લડી રહ્યા છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળથુ. અમે અમારા કેમ્પેઈનમાં આ મુદ્દાઓ પર વાત કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૨જ્રાક્નત્ન ભાજપના નાગરજી ઠાકોર રાધનપુર વિધાનસભા બેઠક પર જીત્યા હતા અને કોંગ્રેસના ભાવસિંહ રાઠોડ ૩૮૩૪ વોટથી હારી ગયા હતા. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ તરફથી ટિકીટ મળ્યા પછી તરત જ લવિંગજી રાઠોડ કોંગ્રેસમાં જોડાયા હતા. તમને જણાવી દઈએ કે આ મતવિસ્તારમાં ૨૨ ટકા ઠાકોર મતદારો છે, આ સિવાય ૧૯ ટકા ચૌધરી, ૮ ટકા મુસ્લિમ, ૭ ટકા દરબાર અને ૬ ટકા દલિત છે.

રાધનપુરથી ૮ કિલોમીટર દૂર આવેલા દેવ ગામમાં અલ્પેશે મંદિરમાં પૂજા કરીને પ્રચારની શરૂઆત કરી હતી. તેણે ખેડૂતોના દેવા માફ કરવાનું આશ્વાસન આપ્યુ હતુ. પરંતુ ગામના રાજા ચૌધરી નામના મતદાર કહે છે કે, અમારા સમાજના લોકો ભાજપના મતદારો છે. ઠાકોર અને અન્ય સમાજના લોકો કદાચ અલ્પેશને વોટ આપી શકે છે. કોંગ્રેસે કુલ ૭ ઠાકોર ઉમેદવારનો ટિકિટ આપી છે. અલ્પેશની સામે ઉભા રહેલા ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોર ૨૫ વર્ષથી કોંગ્રેસમાં હતા, અને હવે ભાજપમાં જોડાયા પછી તે કહે છે કે, નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ પાર્ટીનું ઘણું સારુ નેતૃત્વ કર્યું છે અને વિકાસના એજન્ડાથી ઘણી ચૂંટણીઓ જીતી છે. હું જમીનનો દીકરો છુ, અને લોકો કોઈ બહારના ઉમેદવારને વોટ નહીં કરે.

બનાસ નદીના કિનારે આવેલ રાજુસરા ગામમાં ૬૦૦ મતદારો છે, જેમાંથી મોટાભાગના સુન્ની મુસ્લિમો છે. ચોમાસામાં આ લોકો ખેતરમાં કામ કરે છે અને બાકીની સીઝનમાં અગરિયા તરીકે કામ કરે છે. લવિંગજીએ આ ગામના લોકોને આશ્વાસન આપ્યું છે કે, પાર્ટી નહીં ઉમેદવારને જુઓ. મેં ૨૫ વર્ષ સુધી તમારા માટે કામ કર્યું છે. હવે ભાજપે મારા કામને ઓળખ્યું છે અને મને તમારા ધારાસભ્ય તરીકે કામ કરવાની તક આપી છે. હું તમારો દીકરો છુ. હું તમારો પાડોશી છુ અને બીજો ઉમેદવાર બહારનો માણસ છે. હું હારુ કે જીતું, તમારા માટે કામ કરીશ. પરંતુ ગામના લોકોનું કહેવુ છે કે, ૯ દિવસ પહેલા તે કોંગ્રેસ માટે વોટ માંગતા હતા અને હવે ભાજપ માટે વોટ માંગી રહ્યા છે. કોઈ તેમના પર વિશ્વાસ કઈ રીતે કરે?

(4:02 pm IST)