Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરી નવા રૂપરંગ સાથે તૈયારઃ બ્રિજેશ મેરજાના હસ્‍તે લોકાર્પણ

ગયા નવેમ્‍બરમાં આગથી કચેરીને ભારે નુકશાન થયેલ : ગાંધીનગર જિલ્લા પંચાયતની નવી કચેરીનું પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજાના હસ્‍તે ઉદ્‌ઘાટન થયેલ તે પ્રસંગની તસ્‍વીરમાં પંચાયત પ્રમુખ દિલીપ પટેલ, ડી.ડી.ઓ સુરભિ ગૌતમ, ધારાસભ્‍ય શંભુજી ઠાકોર વગેરે ઉપસ્‍થિત છે

ગાંધીનગર,તા. ૧૩ : ગાંધીનગર જિલ્લા પંચાયત ભવનના પ્રથમ માળે કાર્યરત આંકડાશાખા, ડેટા સેન્‍ટર, આઇ.સી.ડી.એસ. અને ઇ-ગ્રામ કંટ્રોલ યુનિટ સેન્‍ટરની રૂ. ૩૫ લાખના ખર્ચે નવનિર્મિત કચેરીમાં પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ આજે કાર્યારંભ કરાવ્‍યો હતો.  નવેમ્‍બર, ૨૦૨૧માં લાગેલી આગમાં આ કચેરીઓને ભારે નુકશાન થયું હતું. માત્ર નવ મહિનાના ટુંકાગાળામાં આ કચેરીઓ કાર્યરત થઇ છે.

ગાંધીનગર જિલ્લા પંચાયત ભવનના પ્રથમ માળે તા. ૦૯ નવેમ્‍બર, ૨૦૨૧ ના રોજ આગ લાગી હતી.આ ઘટનાની જાણ થતાં જ પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજા તાત્‍કાલીક ઘટના સ્‍થળ આવી પહોંચ્‍યા હતા. આગના કારણે કોઇ કર્મયોગીઓને નુકશાન નથી થયું ને, તેની ચિંતા કરી હતી અને તે જ સમયે આ કચેરી ખૂબ ટુંકા સમયમાં નવનિર્મિત કરવામાં આવશે, તેવી ખાત્રી આપી હતી.

રૂ.  ૩૫ લાખના ખર્ચે નવનિર્મિત થયેલ કચેરીને મંત્રીશ્રીએ ખુલ્લી મુકી હતી, જિલ્લા પંચાયત પરિસરમાં તેમણે હર ઘર તિરંગા અંતર્ગત સેલ્‍ફી પોઇન્‍ટ પાસે ફોટોગ્રાફ પડાવ્‍યા હતા. મંત્રીશ્રીએ સ્‍થાનિક પદાધિકારીશ્રીઓ અને અઘિકારીશ્રીઓ સાથે પણ ચર્ચા- વિમર્શ કર્યો હતો.

આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ, ગાંધીનગર ( દ) ના ઘારાસભ્‍ય શ્રી શંભુજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ અને સભ્‍યો, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ સહિત અધિકારી- કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:57 am IST)