Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

દાગીનાની લેતી દેતીમાં યુવકનું કરાયેલું અપહરણ

ખેડાથી ઝડપાયા ૩ અપહરણકર્તાઓ : આરોપીઓ અને અપહૃત યુવકને ખેડાથી પકડી લઈ નારોલ પોલીસે મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ, તા.૧૩ : નારોલ વિસ્તારમાં સોનીને ધોવા માટે આપેલા દાગીના સોનીએ પરત ના આપતા વેપારીના ૨૩ વર્ષીય યુવકના અપહરણની ઘટના સામે આવી છે. જેમાં અપહરણકારોએ યુવકનું અપહરણ કરી તેના પિતા પાસે દાગીના અને પૈસાની માગણી કરી હતી. જોકે પરિવારે પોલીસને જાણ કરતા આરોપીઓ અને અપહૃત યુવકને ખેડાથી પકડી લઈ નારોલ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ધોવા માટે આપેલા દાગીના સોનીએ પરત ન આપતા વેપારીના પુત્રનું અપહરણ કરનાર શખ્સોની નારોલ પોલીસે ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી ભારતીબેન સોની તેઓના પતિ સાથે નારોલમાં રહે છે. તેઓના પતિ બ્રિન્દેશ કુમાર સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ૧૨મી ઓગસ્ટે રાતના સમયે તેઓના દીકરા સનીને બ્રેઝા કારમાં અપહરણ કરીને વિશાલ ભરવાડ તેમજ દિલીપ ભરવાડ સહિતના શખ્સો લઈ ગયા હોવાની જાણ તેઓને થઇ હતી. અપહરણ કરી આરોપીઓએ તેઓના પતિ બ્રીનદેશ કુમારને ૮ મહિના અગાઉ આપેલા રૂપિયા પરત માંગી, રૂપિયા નહીં આપે તો દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ અપહરણકારોના ફોન બંધ થઈ જતા મહિલાએ પરિજનો પાસેથી પૈસાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પૈસાની વ્યવસ્થા ન થતા તેઓએ અંતે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

નારોલ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાતા જ પોલીસે તરત જ ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે ખેડા પાસેથી અપહરણકારોએને પકડીને યુવકને છોડાવી તેના માતા પિતાને સોંપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ફરિયાદીના પતિ અગાઉ શહેરના અન્ય વિસ્તારમાં સોનીની દુકાન ચલાવતા હતા. તે સમયે આરોપીઓએ તેઓને સોનાના દાગીના ધોવા માટે આપ્યા હતા.જે દાગીના લઇને વેપારી નારોલ વિસ્તારમાં આવી જતા, તેની જાણ આરોપીઓને થઈ હતી અને તેઓએ પોતાના દાગીના પરત મેળવવા માટે વેપારીના દીકરાનું અપહરણ કર્યું હતું. નારોલ પોલીસે આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. દિલીપ ભરવાડ, દોલા ભરવાડ, હરેશ ભરવાડની ધરપકડ કરી છે.જ્યારે અન્ય ફરાર આરોપી વિશાલ ભરવાડને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(8:52 pm IST)