Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

જમીન સંપાદન કેસમાં હાઈકોર્ટે અધિકારીને ફટકાર્યો દંડ : કહ્યું પ્રથમ કિસ્સો હોવાથી જેલની સજા ન કરી

બોટાદ જમીન સંપાદનના કેસમાં હાઈકોર્ટે પુરવઠા વિભાગના અધિકારીને ફટકાર્યો દંડ: જમીન સંપાદન કર્યા બાદ જમીન માલિકને અપાતી વળતરની રકમ પર TDS કાપવામાં આવતા ખેડૂતોની રજૂઆતનો હાઈકોર્ટ આદેશ આપી અંત કર્યો

અમદાવાદ :  જમીન સંપાદન કર્યા બાદ જમીન માલિકને અપાતી વળતરની રકમ પર TDS કાપવામાં આવતા ખેડૂતો દ્વારા ઘણા સમયથી આ મુદ્દે કોર્ટમાં લડત લડાઈ રહી હતી. 18 વર્ષથી ખેડૂતો દ્વારા કરવામાં આવતી રજૂઆતનો આજે હાઈકોર્ટ આદેશ આપી અંત કર્યો છે. હવે જમીન સંપાદનની વળતર રકમમાં કાપેલું TDS ખેડૂતોને પરત કરવું પડશે.ગુજરાતના પ્રથમ કિસ્સામાં કોર્ટના હુકમનો અનાદર કરનાર સરકારી અધિકારી દોષિત સાબિત થયો પ્રથમ કિસ્સો હોવાથી જેલની સજા ન કરી

જમીન સંપાદનની વળતર રકમમાં TDSનો મામલે હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટ સુનાવણી દરમિયાન કહ્યું કે જમીન સંપાદનના વળતર મામલે કોઈપણ બાંધછોડ નહીં ચાલવી લેવાય,કોર્ટના હુકમનો અનાદર કરનાર અધિકારી દોષિત ઠેરવી કંટેમ્પટ ઓફ કોર્ટ બદલ કોર્ટે 50 હજારનો દંડ કર્યો છે તેમજ પ્રથમ કિસ્સો હોવાથી જેલની સજા ન કર્યાનું કોર્ટે અવલોકન પણ કર્યું છે. ગુજરાતના પ્રથમ કિસ્સામાં સરકારી અધિકારી દોષિત થયો છે. પાણી પુરવઠા બોર્ડના એન્જિનિયર એમ.આર.પંડ્યાને દંડ 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમ જ 40 હજાર ખેડૂતોને ખર્ચે પેટે રકમ ચૂકવવા અને 10 હજાર લીગલ એડમાં જમા કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

જમીન સંપાદનના કાયદા 1894 અન્વયે જમીન સંપાદનની ધારા-28 હેઠળ TDS નહીં કાપવાની સ્પષ્ટ જોગવાઈ છે. તેમ છતાં અરજદાર ખેડૂતોની જમીનનું સંપાદન કર્યા બાદ તેમની રકમમાંથી TDS કાપી લેવામાં આવ્યું છે. આ અગાઉ મોવલિયા ભીખુભાઈ વર્સિસ ઈન્કમટેક્સના કેસમાં હાઈકોર્ટની જ ડિવિઝન બેન્ચે ઠરાવ્યું હતું કે જમીન સંપાદન કર્યા બાદ માલિકને અપાતી રકમ કે વ્યાજની રકમ પર TDS કાપવામાં ન આવે. પણ એવા ઘણા ઉદાહરણ છે કે જેમાં હાઈકોર્ટના આદેશનો અનાદર કરવામાં આવ્યો છે અગાઉના કેસમાં પણ હાઈકોર્ટના આદેશનો અનાદર કરી હાઈકોર્ટના પરિપત્રમાં થયેલી સ્પષ્ટતાનો યોગ્ય રીતે અમલ કરાયો ન હતો. પણ આ વખતે સરકારી અધિકારીને દંડ ફટકારી હાઈકોર્ટ દ્વારા મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે. અને જો હવે આ પ્રકારના કિસ્સા બને તો આકરા પગલાં લેવાનું પણ ફરમાન કરવામાં આવ્યું છે

(8:38 pm IST)