Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

નર્મદા જિલ્લામાં વિકાસના કામમાં ભ્રષ્ટાચારની બૂમ

નાંદોદના વાડિયા, વરાછા, નાવરા-રાજુવાડિયાને જોડતા રોડ નાળામાં ભ્રષ્ટાચાર, ગ્રામજનોમાં રોષ: નર્મદા-ભરૂચ જિલ્લાને જોડતા રોડ અને નાળા બન્યાને 1-2 મહિનામા જ તૂટી ગયા: ધર્મેન્દ્રસિંહ છાંસટીયા

રાજપીપળા :નાંદોદ તાલુકાના વાડિયા, વરાછા, નાવરા અને રાજુવાડિયાને જોડતા રોડ અને નાળાનું કામ તદ્દન તકલાદી થયું હોવાનું આક્ષેપ વરાછા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચે લગાવ્યો છે. સાથે ગ્રામજનોએ ઓરી, નિકોલી અને વાઘોડિયા વિસ્તારમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બની રહેલ રોડ અને સંરક્ષણ દીવાલમાં પણ હલકી ગુણવતાનું મટીરીયલ વપરાતું હોવાનો અને પ્લાન એસ્ટીમેન્ટ મુજબ કામગીરી થતી ન હોવાનો આક્ષેપ લગાવતા ખળભળાટ મચ્યો છે.

 બીજી બાજુ વાડિયા, વરાછા, નાવરા અને રાજુવાડીયાને જોડતા રોડ અને નાળામાં એજન્સીએ એક નાળુ તો બનાવ્યું જ નહીં હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.આ નાળુ ન બનાવવા બાબતે ગામ લોકો અને અધિકારીઓ વચ્ચે શાબ્દિક ટપા ટપી થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.હવે આ નાળુ ખરેખર પ્લાન એસ્ટીમેન્ટમાં હતું કે નહીં એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે.

આ બાબતે નાંદોદ તાલુકાના વરાછા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મનીષ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે અંબિકા એજન્સીએ બનાવેલા વાડિયા, વરાછા, નાવરા અને રાજુવાડિયાને જોડતા ડામર રોડ બેસી ગયા છે અને નાળા તૂટી ગયા છે.કોઈ અધિકારી હાજર ન રહેતા અને કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતને લીધે તકલાદી કામ થયું છે.અમે સારી કામગીરી બાબતે અધિકારીઓને કહ્યું તે છતાં યોગ્ય કામગીરી થઈ નથી.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ છાંસટીયા અને અસા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ રાજેન્દ્રસિંહ બારડે જણાવ્યું હતું કે નાંદોદના વાડિયા વરાછાથી નીકળતો આ રોડ ભરૂચ જિલ્લાના બની રહેલા અસા-માલસર બ્રિજને જોડશે.આ રોડ બે જિલ્લાને જોડશે, 2 જ મહિનામાં રોડ-નાળા તૂટી જતા લોકોના ખેતરમાં પાણી ભરાઈ રહ્યાં છે.12-15 કિમીનો આ રોડ દયનિય હાલતમાં છે આ કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે.

આ બાબતે નર્મદા જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.તો આ બાબતે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ સચિવ સંદીપ વસાવાએ જણાવ્યું હતું કે SE વડોદરાને આ બાબતે તપાસ કરવા અને પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

(8:00 pm IST)