Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

અમદાવાદમાં ઢોંગી બાબાનું અધમ કૃત્યઃ જુહાપુરાની મહિલાને બાળક ન થતું હોવાથી તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માંગ કરીઃ ના પાડતા માર માર્યો

ભોગ બનનાર મહિલાની પોલીસમાં ફરિયાદ

અમદાવાદ: જુહાપુરામાં રહેતી એક મહિલાને લગ્ન જીવનને લાંબો સમય વિતી ગયા બાદ પણ બાળક થતું ન હોવાથી તેના મોહલ્લાના જ ભુવાને જાણ કરી હતી. જો કે આ ભુવાએ મહિલાને મારી સાથે સંબધ રાખવાથી તને બાળક થશે, તેમ કહીને અવાર નવાર શારિરીક સબંધ બાંધવા માટે કહેતો હતો. જેથી કંટાળેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ભુવા વિરુદ્ધમાં અરજી કરી હતી. જેથી ઉશ્કેરાયેલા ભુવા સહિત ચાર શખ્સોએ મહિલાના ઘરે જઈ તેને ઢોર માર માર્યો હતો. આ અંગે વેજલપુર પોલીસે ભુવા સહિત ચારના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો.

જુહાપુરામાં 28 વર્ષીય સલમા (નામ બદલેલ છે) તેના પતિ સહિતના પરીવાર સાથે રહે છે. એક દિવસ સલમાએ તેના મોહલ્લામાં રહેતા અને ભુવા તરીકે ઓળખાતા તથા દોરા ધાગાનું કામ કરતા ઈમ્તીયાઝ ઉર્ફે જલાલીને વાત કરી હતી કે, મારે બાળકો થતા નથી અને અમારા ઘર સંસારમાં પણ હાલમા સારૂ ચાલતુ નથી. જેથી ભુવાએ સલમાને જણાવ્યું હતું કે, તારે બાળકો ના થાય તો તારે બીજા પુરુષો સાથે સંબધ બાંધવો પડે તો તારે બાળકો થાય. ભુવાએ જણાવ્યું કે, મારી સાથે સંબધ રાખીશ તો તને બાળક થશે તેમ કહીને હોટલમાં લઈ જવાની વાત કરતો હતો.

આ અંગે સલમાએ ના પાડી તેના ઘરે ચાલી ગઈ હતી. તેમ છતા અવાર નવાર ભુવો જાતીય માંગણી કરીને હેરાન કરતો હતો. જેથી સલમાએ પોલીસ સ્ટેશનમાં ભુવા ઈમ્તીયાઝના વિરુદ્ધમાં અરજી કરી હતી. પોલીસ ઢોંગી ભુવા વિરુદ્ધ કાર્યવાહી કરે તે પહેલાં ભુવા ઈમ્તીયાઝની બહેન મુબીના, ઈરફાન અને અફરોજ આ ત્રણેય સલમાના ઘરે ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે, તે મારા ભાઈના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં કેમ અરજી કરી છે. ત્રણેયે સલમાને ઢોર માર માર્યો હતો. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ભુવા ઈમ્તીયાઝ સહિત ચાર લોકોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:39 pm IST)