Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

વડોદરામાં પુત્રને અભ્‍યાસ માટે મોકલવા મહિલાએ 1.50 લાખની લૂંટનું નાટક કર્યુઃ ઉછીના લીધેલા નાણાં પરત ન આપવા પડે તે માટે કારસ્‍તાન

બરોડ ડેરી દુધ આપવાનું બંધ ન કરે તે માટે દુકાનમાં લુંટારૂ ત્રાટકયાની સ્‍ટોરી ઘડી

વડોદરા: વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં બરોડા ડેરીના દૂધના પાર્લરમાં ગઈકાલે વહેલી સવારે ત્રાટકેલી લૂંટારૂ ટોળકીએ મહિલાને બાનમાં લઇ રૂપિયા 1.50 લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હોવાની ફરિયાદ મહિલાએ કરી હતી. જોકે, પોલીસ પૂછપરછમાં મહિલાએ લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હોવાની કબૂલાત કરી છે. CCTV ફૂટેજની તપાસ કરતા મહિલાએ લૂંટનું તરકટ રચ્યુ હોવાની પોલીસને પહેલેથી જ શંકા હતી.જે સાચી પડી છે.

મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એ. પટેલે જણાવ્યું હતું કે, મયુરીબહેન રાજેશભાઇ ટેલરે(રહે. વિશાલનગર, તરસાલી) લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હોવાની કબુલાત કરી છે. પરંતુ, તેઓએ લૂંટની ખોટી ફરિયાદ કેમ નોંધાવી, તે અંગે મીડિયા એ સવાલ પૂછતાં પીઆઇએ વધુમાં જણાવ્યું હતું કે, સોસાયટીમાં રહેતા કલ્પેશભાઇ જયસ્વાલ પાસેથી મયુરીબેને પુત્રને વધુ અભ્યાસ માટે સિંગાપોર મોકલવા માટે દોઢ લાખ રૂપિયા ઉછીના લીધા હતા.

3થી 4 દિવસ પહેલા કલ્પેશભાઇએ પૈસા પરત માગ્યા હતા. મહિલા પાસે રૂપિયાની વ્યવસ્થા થાય તેવી શક્યતા નહોતી, જેથી મહિલાએ ત્રણથી ચાર દિવસનો જે વકરો ભેગો થયો તે વકરાના 1.37 લાખ બરોડા ડેરીમાં ભરવાને બદલે કલ્પેશભાઇને આપી દીધા હતા. જેથી બરોડા ડેરી દૂધ આપવાનું બંધ ન કરે તે માટે મહિલાએ લૂંટ તરકટ રચ્યુ હતું.

જોકે, પોલીસે પાર્લર સંચાલક મહિલાએ આપેલી માહિતીના આધારે 1.50 લાખ રૂપિયા રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલી ટોળકીને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી તપાસનો દોર શરૂ કરી દીધો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં મહિલા દ્વારા લૂંટનું તરકટ રચવામાં આવ્યું હોવાની વાતનો પર્દાફાશ કર્યો છે.

પોલીસ પૂછપરછમાં મહિલાએ લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હોવાની કબૂલાત કરી છે.જેથી લૂંટ ની ખોટી ફરિયાદ નોંધાવી પોલીસ ને ગેરમાર્ગે દોરવા ના ગુનામાં મહિલા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:35 pm IST)