Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

અમદાવાદમાં તૈયાર થયેલા કેમેરા દુશ્મન પર રાખશે નજર : ડ્રેગનની સીમા પર પ્રથમ પ્રયોગ માટે કેમેરા ગોઠવાયા

30 કિમી વિસ્તારમાં આવતા વાહન, 18 કિમીમાં કોઈપણ વ્યક્તિને ડિટેક્ટ કરે છે : ટેકનોલોજી માટે અમેરિકા, રશિયા, ઈઝરાયેલ જેવા દેશ પર આધાર રાખવો પડતો હતો: અમદાવાદના સ્ટાર્ટઅપે કમાલ કરી બતાવ્યો

અમદાવાદમાં તૈયાર થયેલા કેમેરા દુશ્મન પર નજર રાખશે,આ અગાઉ ટેકનોલોજી માટે અમેરિકા, રશિયા, ઈઝરાયેલ જેવા દેશ પર આધાર રાખવો પડતો હતો કિલોમીટરમાં ફેલાયેલી ભારતની સરહદ પર પાકિસ્તાન અને ચીન સાથે સતત વિવાદ રહે છે. આ માટે ભારતીય સેના બોર્ડર પર સતત નજર રાખતી હોય છે. 

   છેલ્લાં અમુક વર્ષોથી ટેકનોલોજી આધારિત સર્વેલન્સનો વપરાશ વધ્યો છે. જોકે આને માટે ભારતે અમેરિકા, રશિયા અને ઇઝરાયેલ જેવા દેશો પર આધાર રાખવો પડે છે, પણ હવે ભારત આ બાબતે પગભર બની રહ્યું છે અને આ માટે જ દેશની કંપનીઓને ડિફેન્સ તરફથી ઓર્ડર મળી રહ્યા છે. સરહદની દેખરેખ માટે સર્વેલન્સ કરવા ચીનની બોર્ડર પર આર્મી ખાસ પ્રકારના સર્વેલન્સ કેમેરા ગોઠવી રહ્યું છે અને આનો એક ભાગ બનશે અમદાવાદનું સ્ટાર્ટઅપ ઓપ્ટિમાઇઝ ઇલેક્ટ્રોટેક. બીજા શબ્દોમાં કહીએ તો ભારતની ચીન અને પાકિસ્તાન સાથેની બોર્ડર પર ઘૂસણખોરી સામે અમદાવાદમાં ડિઝાઇન થયેલા કેમેરા નજર રાખશે. 

આ કેમેરાની અનેક ખાસિયત છે.અમદાવાદના સ્ટાર્ટઅપે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કેમેરાની ડિઝાઇન તૈયાર કરી છે જે  ભારતીય સીમા પર ઘુસણખોરી સામે અમદાવાદમાં ડિઝાઇન થયેલા કેમેરા ગોઠવવામાં આવશે, જેથી ધુસણખોરી પર સીધી લગામ લાગી જશે તેમજ દુશ્મન દેશની સેનાની ચહલ પહલ પર પણ ધ્યાન રાખી શકાશે. અમદાવાદમાં બનેલો આ કેમેરા અનેક વિશેષતા ધરાવે છે. કેમેરા 18 કિમીની રેન્જમાં વ્યક્તિની હલન ચલન પર નજર રાખી એલર્ટ આપે છે તો સામે 30 કિમી વિસ્તારમાં આવતા વાહન, સામાન્ય વાહન છે કે આર્મીનું વાહન છે એ 20 કિમી દૂરથી ઓળખી બતાવશે

ભારત ચીન સીમા વિવાદનો મુદ્દો અનેક દિવસોથી ચર્ચાનો માહોલ બન્યો છે.. ત્યારે ચીનની ચાલાકી સામે બોર્ડર પર અમદાવાદમાં બનાવેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કેમેરા ચીનની બોર્ડર પર ચાંપતી નજર માટે ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ચીનની બોર્ડર પર એક કેમેરો લગાવવામાં આવ્યો છે. સરહદ પર તમામ સિઝનમાં કેવા પરિણામો મળી રહે છે તે માટે હાલ ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. સીમાપારથી થતી ઘુસણખોરી તેમજ પાડોશી રાષ્ટ્રોના સૈનિકોના હલનચલન પર પણ કેમેરાથી નજર રાખી શકાય છે.

(6:23 pm IST)