Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

મહેસાણાના જગુદણ ગામની સીમમાં ખાનગી ખેતરમાં રોયલ્‍ટીની પ્રવૃતિનો પર્દાફાશ : 1.20 કરોડનો મુદ્દામાલ જપ્‍ત

માટીનો ઉપયોગ રેલ્‍વે કોરીડોર સાઈટ ઉપર કરાતો હોવાનું ખુલ્‍યુ

મહેસાણાઃ મહેસાણા તાલુકાના જગુદણ ગામની સીમમાં આવેલા ખાનગી ખેતરમાં રોયલટીની ચોરી કરવાના ઈરાદે ગેરકાયદેસર મસમોટી ખનીજ ખનનની પ્રવૃત્તિનો પાલીસની મદદથી ખાણખનીજ તંત્રએ પર્દાફાશ કર્યો હતો. જિલ્લા ખાણખનીજ કચેરીના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીની ટીમે બાતમીના આધારે રેઈડ કરી લાખોની રોયલટીની ચોરી કરી ખાનગી ખેતરમાંથી માટી ઉલેચી રહેલ એક હિટાચી તેમજ બે ડમ્પર સહિત રૂ. ૧.૨૦ કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. ગેરકાયદેસર ખનીજ ખનનથી માટીની ચોરી કરી તેનો ઉપયોગ રેલવે કોરિડોરની ચાલી રહેલ સાઈટ પર કરવામાં આવી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મહેસાણા તાલુકાના જગુદણથી કેરવા તરફ જતાં માર્ગ પર આવેલ એક આંતરિયાળ ખાનગી ખેતરમાં ગેરકાયદેસર ખનન કરી રોયલટી વિના મોટા જથ્થામાં માટીની ચોરી કરવામાં આવી રહી હોવાની બાતમી ખાણખનીજ તંત્રને મળી હતી. બાતમીના આધારે જિલ્લા ખાણખનીજ કચેરીના મદદનીશ ભૂસ્તશાસ્ત્રી મિત પરમારની ટીમે તાલુકા પોલીસની મદદથી ખાનગી વાહન લઈ સ્થળે રેઈડ કરી હતી. દરમિયાન ઉપરોક્ત ખેતરમાં એક હિટાચીથી માટી ખોદી ત્રણ ડમ્પરમાં ભરવામાં આવી રહી હતી. ખાનખનીજ તંત્રની ટીમે તપાસ હાથ ધરતાં આ પ્રવૃત્તિ આર્યાવર્ત નામની કંપની તરફથી કરાતી હતી. આ માટીનો ઉપયોગ રેલવે કોરિડોર સાઈટ પર કરાતો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

માટી ખનન પ્રવૃત્તિમાં રોયલ્ટી કે મંજુરી લીધેલ ન હોવાથી ખાણખનીજ તંત્રની તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અંદાજે રૂ. ૪૫ લાખની કિંમતનું હિટાચી તેમજ રૂ. ૭૫ લાખની કિંમતના ત્રણ ડમ્પર મળી કુલ રૂ. ૧.૨૦ કરોડના ખનન વપરાઈ રહેલ સાધનો સીઝ કર્યા હતા. પાછળથી ખાણખણીજની ટીમે ગેરકાયદેસર ખોદકામ કરાયેલ જમીનની માપણી કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. મહેસાણા તાલુકામાં ધોળા દિવસે લાખો-કરોડોની ખનીજ ચોરીનો ખાણખનીજની ટીમે પર્દાફાશ કરતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ મચ્યો હતો.

ખાનગી વાહનનો ઉપયોગ કરતાં રેઈડ સફળ બની

મહેસાણા સહિત જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ખનન પ્રવત્તિઓને અટકાવવા સામાન્ય રીતે ભૂસ્તરશાસ્ત્રીની ટીમ સરકારી વાહનનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે ખનીજ માફિયાઓને કોઈ કારણોસર રેઈડની ગંધ આવી જતાં એલર્ટ થઈ જાય છે અને રેઈડ નિષ્ફળ નિવડે છે. પરંતુ, આજની રેઈડમાં ખાનગી વાહનનો ઉપયોગ કરાતાં ગેરકાયદેસર મસમોટું ખનીજ ખનન ઝડપાયું હતું.

(5:58 pm IST)